,પરિવારના ઝઘડાના કારણે સુરતના દંપતીએ વડોદરા આવી ટ્રેન સામે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. જે અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ, વડોદરા અને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનની પડતું મૂકીને એક યુગલે આપઘાત કરી લીધો હતો. જેની જાણ થતા રેલવે પોલીસ સ્ટેશનના પી.આઇ. ઝેડ.એસ. વસાવાની સૂચના મુજબ, પી.એસ.આઇ. હાર્દિક રવિયાએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. મૃતક યુવકના ખિસ્સામાંથી પોલીસને એક મોબાઇલ ફોન તૂટેલી હાલતમાં મળ્યો હતો. જેમાંથી સીમ કાર્ડ કાઢી પોલીસે બીજા મોબાઇલમાં નાખ્યું હતું. તે દરમિયાન મૃતકના સગાનો કોલ આવતા પોલીસે તેઓને બનાવની જાણ કરતા મૃતક પતિ, પત્ની હોવાનો ખુલાસો થયો હતો. પતિ કૌશલ મહેન્દ્રભાઇ ચૌહાણ (ઉં.વ.૨૯) તથા તેની પત્ની અંગીતાબેન ચૌહાણ (ઉં.વ .૨૫) (રહે. નેમનગર, સનફ્લાવર વિદ્યાલય પાસે, બામરોલી રોડ, પાંડેસરા,સુરત) હોવાનું જાણવા મળ્યું હતું. બંનેનો લગ્ન ગાળો માત્ર એક જ વર્ષનો છે. કૌશલ ખાનગી કંપનીમંા નોકરી કરે છે. આપઘાત કરતા પહેલા કૌશલે પિતાને કોલ કરીને મિલકતના ભાગ બાબતે કહ્યું હતું. તે અંગે તેઓ વચ્ચે મનદુખ થયું હતું. તેના કારણે જ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
