સુરતના પાસોદરા યુવાન સાથે લગ્ન બાદ રૂા. 1.70 લાખ લઇને ફરાર થયા બાદ રાજકોટના યુવાન સાથે લગ્ન કરીને તેની પાસેથી પણ રૂા. 1.80 લાખ પડાવનાર લૂંટેરી દુલ્હનને લસકાણા પોલીસે રાજકોટના જસદણ પાસેથી ઝડપી લીધી હતી. મૂળ નાગપુરની 33 વર્ષની અનાથ યુવતીએ દલાલના કહ્યા મુજબ પહેલી વખત પૈસા લઈ સુરતના યુવાન સાથે લગ્ન કર્યા હતા અને બાદમાં દલાલના જ કહેવાથી બહાનું કાઢી રાજકોટ જઈ ત્યાંના યુવાન સાથે સગાઈ કરી સુરત પરત ફરી અઠવાડીયા બાદ લગ્ન કર્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાસોદરા વિસ્તારમાં રહેતા અને હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતા મૂળ અમરેલીના 43 વર્ષના અપરિણીત વિપુલભાઈ વિરજીભાઈ ટીંબડીયા સાથે ડિસેમ્બર 2025 માં રૂ. 1.70 લાખ લઈ મંદિરમાં લગ્ન કરનાર યુવતી સોનલ ચૌહાણ જેના હસ્તક લગ્ન થયા હતા તે કમલેશ કમાણીના દીકરાની સારવાર માટે 5 દિવસ પહેલા રાજકોટ ગયા બાદ તેના રાજકોટના યુવાન રાજેશ પડાળીયા સાથે લગ્ન થયા હોય તેવા ફોટા ફેસબુક મારફતે મળતા અને રાજેશ પડાળીયા સાથે પણ રૂ.1.80 લાખ લઈ સોનલે લગ્ન કર્યા હોવાનું જાણવા મળતા ભોગ બનેલા વિપુલભાઈ ટીંબડીયાએ લૂંટેરી દુલ્હન ગેંગની સોનલ ચૌહાણ અને તેના લગ્ન કરાવનાર દલાલ કમલેશ કમાણી વિરૂદ્ધ લસકાણા પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.જેથી લસકાણા પોલીસની એક ટીમ જસદણ રવાના થઇ હતી અને પોલીસે લૂંટેરી દુલ્હન સોનલ સંદીપ ચૌહાણ (ઉ.વ. 33, રહે.તુકારામ નગર, ગોરા બજાર રોડ, જુની બસ્તી, જુની કામઠી, નાગપુર, મહારાષ્ટ્ર. હાલ રહે.બજરંગ નગર, જસદણ, જી.રાજકોટ) ને ઝડપી લીધી હતી.પોલીસે પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે અનાથ છે અને એક ભાઈ સાથે નાગપુરમાં રહેતી હતી.દલાલ કમલેશની પત્ની પણ નાગપુરની હોવાથી તેના મારફતે તે કમલેશના સંપર્કમાં આવી હતી અને કમલેશના કહ્યા મુજબ પહેલી વખત પૈસા લઈ સુરતના વિપુલ ટીંબડીયા સાથે લગ્ન કર્યા હતા.ત્યાર બાદ કમલેશના કહેવાથી જ બહાનું કાઢી રાજકોટ જઈ રાજેશ પડાળીયા સાથે સગાઈ કરી સુરત પરત ફરી અઠવાડીયા બાદ લગ્ન કર્યા હતા.

