સુરત ક્રાઈમ બ્રાન્ચની ચેઈન સ્નેચિંગ સ્કોડ દ્વારા મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત કુખ્યાત ‘ઇરાની ડેરા’ ના મુખ્ય સૂત્રધાર અને દેશભરમાં કાર્યરત 6 ગેંગના માસ્ટરમાઈન્ડ આબીદ ઉર્ફે રહેમાન ડકેતને સુરતના લાલગેટ વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો છે. રહેમાન ડકેત ભોપાલમાં પોલીસ પર પથ્થરમારો અને તેના જ સાથીદારના પરિવારને જીવતા સળગાવવાના પ્રયાસ સહિત અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેંગ CBI અધિકારી કે પોલીસનો સ્વાંગ રચી વૃદ્ધોને નિશાન બનાવવી, નજર ચૂકવી ઘરેણાં પડાવવા અને બેંકની બહાર કેમિકલ નાખી લોકોનું ધ્યાન ભટકાવી લૂંટ ચલાવવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે. રહેમાન ડકેત પોતે ભોપાલમાં સેફ જગ્યાએ બેસી આખા ભારતમાં તેની ટીમો ઓપરેટ કરતો અને પકડાયેલા સાગરીતો માટે વકીલ તથા કોર્ટ-કચેરીની વ્યવસ્થા પણ કરતો હતો. ભોપાલ પોલીસના 150 જવાનોના દરોડા બાદ તે એમ.પી.થી નાસીને સુરતમાં કોઈ મોટી વારદાતને અંજામ આપે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે. આરોપી દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોના અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો.

