સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશ (સર)માં જિલ્લાના ૧૫૦૦થી પણ વધુ શિક્ષકો જોડાયા છે. જોકે, આ કામગીરી દરમિયાન શિક્ષકો સાથે થતાં અસભ્ય વર્તનને લઇ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે જિલ્લા ક્લેક્ટર કચેરી રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે.

સુરેન્દ્રનગરમાં બી.એલ.ઓ.ની કામગીરી માટે જિલ્લાના ૧૫૦૦થી પણ વધુ શિક્ષકો જોડાયા છે. આ કામગીરીમાં ૯૦ ટકાથી વધુ શિક્ષકોને જ હુકમ આપવામાં આવ્યા છે. જેને લઈને પણ શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આથી આગામી સમયમાં અન્ય ૧૨ કેડરમાંથી પણ બીએલઓની કામગીરીની વહેચણી કરવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત કામગીરીના બિનજરૂરી દબાણને કારણે બી.એલ.ઓની ધરપકડ થવાના બનાવો પણ બન્યા છે જે બંધ કરવામાં આવે. તેમજ શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવતા ધોરણ ૧૦, ૧૨ બોર્ડ સહિત તમામ ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે જેને લઇ બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ આગામી સમયમાં આ અંગે યોગ્ય ઉકેલ નહી આવે તો શિક્ષકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ તકે મોટી સંખ્યામાં શિક્ષકો સહિત હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા.

