સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ સમાન રિવરફ્રન્ટના નવીનીકરણની કામગીરી હાલ વિવાદના વમળમાં ફસાઈ છે. કરોડોના ખર્ચે બની રહેલા આ રિવરફ્રન્ટ પર જૂનો ડામર રોડ યોગ્ય રીતે ઉખાડયા વગર જ તેના પર સીધું આરસીસી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે યોગ્ય ખોદકામ વગર કામગીરી થતી હોવાથી રસ્તાની ગુણવત્તા જળવાશે નહીં અને સરકારી નાણાંનો વેડફાટ થશે. હાલ અંદાજે ૩૦% કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે એન્જિનિયરિંગ માપદંડોના ઉલ્લંઘનનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.રિવરફ્રન્ટને તેની મૂળ સપાટીથી અંદાજે એક ફૂટ જેટલો ઊંચો બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે આજુબાજુની દુકાનો અને મકાનો નીચાણમાં આવી ગયા છે. વેપારીઓએ ભય વ્યક્ત કર્યો છે કે ચોમાસા દરમિયાન શહેરનું પાણી નદીમાં જવાને બદલે આ ઊંચા રસ્તાને કારણે રહેણાંક વિસ્તારોમાં ભરાઈ રહેશે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા બનેલો આ માર્ગ હવે નવી મુસીબત નોતરે તેવી શક્યતા છે. શહેરીજનોએ માંગ કરી છે કે તંત્ર જાગે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા સાથે સપાટી જાળવીને કામગીરી પૂર્ણ કરે.

