GUJARAT : સોમનાથ મંદિર પર પ્રથમ આક્રમણના ૧,૦૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરમાં ૭૨ કલાકની અખંડ ધૂનનો ભવ્ય પ્રારંભ

0
39
meetarticle

પ્રદેશ ભાજપની સૂચના અનુસાર સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણને ૧,૦૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે પોરબંદર ભાજપ દ્વારા એમ.જી. રોડ, સત્યનારાયણ મંદિર પાસે આવેલ ભાવેશ્વર મહાદેવ મંદિરે ૭૨ કલાકની અખંડ “ધૂન”નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પાવન કાર્યક્રમમાં પોરબંદર શહેર તથા જિલ્લામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ભાજપના આગેવાનો અને કાર્યકરો ભાવપૂર્વક જોડાયા હતા.


ધૂનના પ્રારંભ પ્રસંગે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર પર છેલ્લા ૧,૦૦૦ વર્ષોમાં અનેક વખત આક્રમણો થયા હોવા છતાં આપણા પૂર્વજોએ અડગ શ્રદ્ધા અને આત્મબળ સાથે બલિદાન આપી મંદિરની ગૌરવગાથાને જીવંત રાખી છે. પેઢીદર પેઢી આ મહાન તીર્થસ્થાનનું પુનઃનિર્માણ કરી ભારતીય સંસ્કૃતિની અમરતા દર્શાવવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વતંત્રતા બાદ વર્ષ ૧૯૪૭માં દિવાળીના પાવન પર્વે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની જાહેરાત કરી હતી અને વર્ષ ૧૯૫૧માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ભવ્ય સોમનાથ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ઘટનાને આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૬ સોમનાથ મંદિરના ઇતિહાસમાં વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે જાન્યુઆરી ૧૦૨૬માં ગઝનીના મહમૂદ દ્વારા કરાયેલા પ્રથમ આક્રમણને આ વર્ષે ૧,૦૦૦ વર્ષ પૂર્ણ થાય છે. અનેક આક્રમણો છતાં સોમનાથ મંદિર આજે પણ પોતાની ભવ્યતા અને આધ્યાત્મિક શક્તિ સાથે અડગ ઊભું છે.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી ખીમજીભાઈ મોતીવરસ, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાજશીભાઈ પરમાર, નિલેશભાઈ ઓડેદરા, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ કાણકીયા, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ મીતાબેન થાનકી, ભીમભાઈ ઓડેદરા, મોહનભાઈ મોઢવાડીયા, કપિલભાઈ કોટેચા, કાંતિભાઈ ઘેડીયા, ચંદ્રેશભાઈ સામાણી, ધર્મેશભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ ગોહિલ, વિજયભાઈ વડુકર, હરીશભાઈ થાનકી, સવિતાબેન કુહાડા, સરોજબેન કક્કડ તેમજ આ કાર્યક્રમના ઇન્ચાર્જ અને વોર્ડ નં. ૯ના પૂર્વ કાઉન્સિલર હિતેશભાઈ કારીયા અને ધવલભાઈ જોષી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ અખંડ ધૂનના કાર્યક્રમ દરમિયાન આગામી બે દિવસ સુધી બાર જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે સમગ્ર કાર્યક્રમનું ફેસબુક અને યુટ્યૂબ મારફતે લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. પોરબંદર ભાજપ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને આ પાવન ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here