સોમનાથ મહાદેવ મંદિરના 1000 વર્ષની ઉજવણીના ગરિમામય મહોત્સવમાં લોક કલાકારોને દેવાધિદેવના ચરણોમાં કલાની પ્રસ્તુતિ કરવાની તક મળતાં ખુશીનો કોઈ પાર ન હતો પરંતુ આ કાર્યક્રમમાં તેમને એવી તો હાલાકી થઈ કે જમવાનું તો ઠીક પાણીના પણ ફાફા પડયા હતા. પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીની જાણ બહાર અધિકારીઓ અને દલાલો મોટો ખેલ પાડી ગયા હોય તેવું સમગ્ર કલા જગતે અનુભવ્યું હતું.

સોમનાથ સ્વાભિમાન પર્વમાં ગુજરાતમાંથી 700થી વધુ અને અન્ય રાજ્યોમાંથી 300થી વધુ લોકકલાકારોને કલા રજૂ કરવા માટે આમંત્રણ અપાયું હતું. કલાકારો આમંત્રણને માન આપીને આવી તો પહોંચ્યા પરંતુ સોમનાથ અને વેરાવળમાં હોટેલ ફૂલ છે તેમ જણાવી તેમને અહીંથી 25થી 30 કિલોમીટર દૂર આવેલી ધર્મશાળાઓમાં એક- એક હોલમાં 40થી 50 લોકોને રખાયા. જ્યાં ન્હાવાની કે ચા પાણીની કોઈપણ વ્યવસ્થા વગર તેમને કોસ્ચ્યુમ પહેરાવી પર્ફોર્મન્સ માટે મોકલી દેવાયા.કાર્યક્રમ દરમિયાન પણ આ કલાકારો માટે પીવાનાં પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. અધિકારીઓ અને વચેટિયાઓ તો કાર્યક્રમના સ્થળ સુધી દેખાયા પણ નહીં અને હોટલોમાં આરામ ફરમાવતા રહ્યા. આવી સ્થિતિ વચ્ચે પણ લોક કલાકારોએ હસતા મોઢે પર્ફોર્મન્સ રજૂ કરી અને કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.

