GUJARAT : સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓ માટે કોંગ્રેસ સુસજ્જ ઇચ્છુક ઉમેદવારો માટે ડિજિટલ QR Code લોન્ચ

0
15
meetarticle

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ આજે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે. સીમાંકનની પ્રક્રિયાને કારણે આ ચૂંટણીઓમાં વિલંબ થયો હતો, પરંતુ હવે રાજ્યભરમાં ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ તબક્કે પહોંચી ગઈ છે.
સમગ્ર ગુજરાતમાં કુલ 15 મહાનગરપાલિકાની 1044 બેઠકો, 34 જિલ્લા પંચાયતની લગભગ 1084 બેઠકો, 262 તાલુકા પંચાયતની 5214 બેઠકો અને 83 નગરપાલિકાની લગભગ 2596 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ રીતે રાજ્યના લગભગ 95% વિસ્તારની આશરે 10,000 જેટલી બેઠકો પર ચૂંટણી યોજાશે.

કોંગ્રેસ પક્ષે ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન સ્તરે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. તાલુકા, શહેર, વોર્ડ અને જિલ્લા કક્ષાએ લોકો વચ્ચે જઈ સંવાદ સ્થાપિત કરવામાં આવ્યો છે. મહાનગરોમાં “કોંગ્રેસ આપકે દ્વાર” કાર્યક્રમ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા અને જનતાના સૂચનોના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ગુજરાતની મતદાર યાદીમાં વર્ષોથી ગોટાળા ચાલતા હતા. નવા સીમાંકન બાદ બહાર આવેલી યાદીમાં આશરે 70 લાખ જેટલા મતદારોના નામ ઓછા થયા, જે અગાઉની મતદાર યાદીઓમાં બોગસ અને ડુપ્લીકેટ મતદારો હોવાની શંકાને વધુ મજબૂત બનાવે છે.
રાજ્યની મોટા ભાગની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં હાલ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર તથા ગેરવહીવટ વધ્યો છે. રસ્તાઓ, પાણી, સ્વચ્છતા, ટ્રાફિક, પ્રદૂષણ, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરું પાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે.
ગુજરાતના 15 મહાનગરોમાં ઉમેદવારી ઇચ્છતા લોકો માટે ઓનલાઇન ક્યુઆર કોડ દ્વારા અરજી કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ક્યુઆર કોડ સ્કેન કરીને ઉમેદવારો પોતાની વિગતો સાથે ફોર્મ ભરી શકશે. ત્યારબાદ 11 થી 20 માર્ચ દરમિયાન તેમની રૂબરૂ મુલાકાત લઈને પેનલ તૈયાર કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત છે તેમજ એસસી, એસટી અને ઓબીસી વર્ગો માટે પણ અનામત બેઠકો છે. તેથી મહિલાઓ અને પછાત વર્ગોના સક્ષમ લોકોને પણ આગળ આવી ઉમેદવારી નોંધાવવાની અપીલ કરવામાં આવી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી તથા પ્રભારી મુકુલ વાસનિકના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓમાં 50% બેઠકો પર 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી એ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રમાં ‘કિસાન આક્રોશ યાત્રા’ તથા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ‘જન આક્રોશ યાત્રા’ યોજવામાં આવી હતી. આ યાત્રાઓ દરમિયાન લગભગ 50 દિવસમાં 5000 કિલોમીટરનો પ્રવાસ કરીને રાજ્યના 28 જેટલા જિલ્લાઓ અને અનેક તાલુકા તથા નગરોમાં લોકો સાથે સીધો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
આ સમગ્ર પ્રવાસ દરમિયાન મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તમામ સ્તરે લોકોને ભારે ભ્રષ્ટાચારનો અનુભવ થઈ રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો મળી છે. કામ મંજૂર કરવા પહેલાં જ બેઠકોથી પહેલા ભાજપના સંગઠન અને પદાધિકારીઓ વચ્ચે ચર્ચા થઈ કામમાંથી કેટલો હિસ્સો લેવો તેની વહેંચણી નક્કી થતી હોવાના આક્ષેપો પણ લોકો દ્વારા કરવામાં આવ્યા છે. આવા ભ્રષ્ટાચારના કારણે વિકાસના કામો અટકી રહ્યા છે અને સ્થાનિક સંસ્થાઓ ભાજપ માટે ફંડ ભેગું કરવાની સંસ્થાઓ બની ગઈ હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.
મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગુજરાતમાં 73 લાખ 73 હજાર જેટલા મતોનો ઘટાડો થયો છે. 2022ની ચૂંટણીના સંદર્ભમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો તફાવત લગભગ 80 લાખ મતોનો હતો. હવે આટલા મોટા પ્રમાણમાં મત ઘટતા આ તફાવત નોંધપાત્ર રીતે ઘટી ગયો છે. અમદાવાદ અને સુરત શહેરની લગભગ 23 વિધાનસભા બેઠકોમાં 47 હજારથી લઈને 1.94 લાખ સુધીના મત ઓછા થયા છે. જેમાં મુખ્યમંત્રીની ઘાટલોડિયા બેઠક પર લગભગ 97 હજાર મત ઓછા થયા છે, જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક પર પણ આશરે 85 હજાર મત ઓછા થયા છે. તેમના મતે આ ઘટાડો અગાઉના બોગસ મતદારોના કારણે હતો અને તેના પરિણામે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આશ્ચર્યજનક પરિણામો જોવા મળી શકે છે.
આ વખતે કોંગ્રેસ પક્ષ કેટલાક શહેરોમાં મેયર પદના સંભવિત ઉમેદવારોની અગાઉથી જાહેરાત કરવાની પણ તૈયારીમાં છે, જેથી મતદારોને સ્પષ્ટ નેતૃત્વનો વિકલ્પ મળી શકે. હાલ મળતા પ્રતિસાદના આધારે કોંગ્રેસ પક્ષ આ તમામ ચૂંટણીઓમાં મજબૂતાઈથી મેદાનમાં ઉતરશે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી સોનલબેન પટેલ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. અમિત નાયક સહિતના આગેવાનોએ રાજ્યના નાગરિકો, સામાજિક આગેવાનો અને કાર્યકરોને અપીલ કરી કે ભ્રષ્ટાચાર સામે લડવા, પ્રજાભિમુખ વહીવટ સ્થાપિત કરવા અને પારદર્શક શાસન માટે કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈ જાહેર જીવનમાં આગળ આવવા માટે અપિલ કરી હતી.

હેમાંગ મહીપતરામ રાવલ
મીડિયા કોર્ડિનેટર અને પ્રવક્તા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here