સમયનું ચક્ર નિરંતર ચાલતું રહે છે, પણ કેટલીક ક્ષણો ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત થઈ જતી હોય છે. ધ્રાંગધ્રાની પવિત્ર ધરતી પર શિક્ષણની જ્યોત જલાવતી સુપ્રસિદ્ધ સંસ્થા શિશુકુંજ વિદ્યાલયની સ્થાપનાને જ્યારે 75 વર્ષ પૂર્ણ થયા, ત્યારે એ અવસર માત્ર એક ઉત્સવ નહીં, પણ લાગણીઓનો મહાસાગર બની રહ્યો.

સંકલ્પથી સિદ્ધિ સુધીની સફર: એક ‘પ્રથમ’ શિષ્યનું ગુરુઋણ
આ ભવ્ય આયોજનના બીજ આજથી ચાર વર્ષ પહેલાં રોપાયા હતા. આ વિચારના મૂળમાં એક અદ્રશ્ય પણ અતૂટ શ્રદ્ધા હતી. શાળાના સૌપ્રથમ વિદ્યાર્થી તરીકે જેનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે એવા શ્રી કમલેશભાઈ ડગલી (હાલ મુંબઈ સ્થિત સફળ ઉદ્યોગપતિ) ના મનમાં આ પ્રેરક વિચાર સ્ફૂર્યો. તેમની બંને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોવાથી તબિયત નાદુરસ્ત હતી, છતાં માતૃસંસ્થા પ્રત્યેના ઋણ અદા કરવાની ભાવના એટલી પ્રબળ હતી કે તેમણે આ ભગીરથ કાર્ય માટે પ્રથમ હૂંફ આપી.
તેમની સાથે અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા અને મનમાં એક જ લક્ષ્ય હતું – છેલ્લા 75 વર્ષમાં આ શાળાના આંગણે જેઓ ભણીને ગયા છે, એ તમામ રત્નોને એક જ દિવસે, એક જ સમયે અને એક જ પ્રાંગણમાં ભેગા કરવા. સોશિયલ મીડિયા અને વ્યક્તિગત સંપર્કો દ્વારા એક પછી એક કડી જોડાતી ગઈ. શાળાના ટ્રસ્ટી મંડળ, સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને આદરણીય શિક્ષકોના સતત માર્ગદર્શન હેઠળ આ આયોજનને આખરી ઓપ અપાયો અને 11 જાન્યુઆરી, 2026 ના રોજ સ્નેહમિલનનું ઐતિહાસિક મુહૂર્ત નક્કી થયું.
મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
આ પ્રસંગને દીપાવવા માટે પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમણે પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને જીવનના પાઠ સમજાવ્યા. શાળા માટે ગૌરવની ક્ષણ ત્યારે હતી જ્યારે રાજકીય વિચારધારાઓથી પર રહીને આ જ શાળાના તેજસ્વી તારલાઓ – ભૂતપૂર્વ મંત્રી (ભાજપ) શ્રી ઇન્દ્રવિજયસિંહ જાડેજા, કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા શ્રી નૌશાદભાઈ સોલંકી અને વર્તમાન નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ પરાક્રમસિંહ ઝાલા (જેઓ પોતે પણ શિશુકુંજ ના જ વિદ્યાર્થી છે) એ એક જ મંચ પર ઉપસ્થિત રહી પોતાની સફળતાનો યશ શાળાને આપ્યો. વહીવટી પ્રોટોકોલ મુજબ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) શ્રી ઓઝા સાહેબની પ્રેરક હાજરીએ કાર્યક્રમની ગરિમામાં વધારો કર્યો.
લાગણીઓનું ઘોડાપૂર અને સંસ્કારોનો વારસો
સવારે 9:00 થી સાંજે 4:00 સુધી ચાલેલો આ કાર્યક્રમ લાગણીઓનો સાક્ષી બન્યો. દેશ-વિદેશના ખૂણેખૂણેથી દોડી આવેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ્યારે વર્ષો પછી એકબીજાને મળ્યા ત્યારે હર્ષના આંસુ સાથે એકબીજાને ભેટી પડ્યા. પોતાના પૂજ્ય ગુરુજનોના ચરણસ્પર્શ કરતી વખતે જે દ્રશ્ય સર્જાયું તે જોઈ ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ.
આ ભીડમાં કોઈ સફળ ડોક્ટર હતા, તો કોઈ વકીલ, ઇજનેર, રાજકીય નેતા, પ્રોફેસર કે બિઝનેસ પર્સન. પોતાના આ ઘટાદાર વટવૃક્ષ જેવા બનેલા શિષ્યોને જોઈને શાળાની દીવાલો પણ જાણે ગર્વથી મલકાતી હતી. શાળાના વર્તમાન પ્રાથમિક અને માધ્યમિક વિભાગના નાના બાળકોએ શાનદાર સાંસ્કૃતિક પર્ફોમન્સ આપીને વડીલોને તેમના બાળપણની યાદ અપાવી દીધી. આ સફળતા પાછળ સંસ્થાના ત્રણેય એકમના આચાર્યશ્રીઓ, તમામ શિક્ષક ભાઈ-બહેનો અને સ્વયંસેવક બનેલા વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી હતી.
ગરબાની રમઝટ અને યાદોની વિદાય
કાર્યક્રમમાં જ્યારે ગુજરાતીઓની જીવાદોરી એવા ગરબા શરૂ થયા અને “હું તો ગઈ’તી મેળે…” ની રમઝટ બોલી, ત્યારે સૌ વય-મર્યાદા ભૂલીને મન મૂકીને નાચ્યા. પણ કાર્યક્રમની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે કિશોર કુમારનું ગીત “હમ લૌટ આયેંગે, તુમ યૂં હી બુલાતે રહેના…” ગુંજ્યું. આ ગીતે ક્ષણભર વાતાવરણને ગમગીન બનાવી દીધું.
ત્યારબાદ સૌ પોતપોતાના જૂના ક્લાસરૂમમાં ગયા, એ જ જૂની બેન્ચો પર બેસીને ફરી એકવાર ‘શિશુકુંજ’ ને જીવી લીધું. અંતે, સૌએ સાથે બેસીને પ્રેમપૂર્વક ભોજન લીધું. સાંજ પડતા જ્યારે છૂટા પડવાનો સમય આવ્યો, ત્યારે સૌની આંખોમાં પાણી હતા—પણ આ વખતે એમાં ફરી મળવાની આશા અને 75 વર્ષના ગૌરવશાળી ઇતિહાસની યાદો સમાયેલી હતી. શિશુકુંજ વિદ્યાલય માટે આ દિવસ માત્ર હીરક મહોત્સવ નહોતો, પણ ગુરુ-શિષ્યના અતૂટ સંબંધોનો વિજયોત્સવ હતો.
લેખક અશ્વિન ગોહિલ ની કલમે (લેખક, કવિ, સાહિત્યકાર)

