ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ભરૂચના હાંસોટ તાલુકામાં ખરીફ પાક જેવા કે મગફળી, ડાંગર અને કપાસને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભરૂચ કોંગ્રેસના નેતા વિજયસિંહ પટેલની આગેવાની હેઠળ ખેડૂતો વતી હાંસોટ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં ખેડૂતોના તમામ પાક ધિરાણ માફ કરવા અને અસરગ્રસ્તો માટે વિશેષ રાહત પેકેજ તાત્કાલિક ધોરણે જાહેર કરવાની માગ કરવામાં આવી હતી.
ખેડૂતો અને કોંગ્રેસે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો હતો કે, કુદરતી આફતો બાદ સરકાર માત્ર જાહેરાતો કરે છે, પરંતુ વાસ્તવમાં ખેડૂતોના ખાતામાં માત્ર ૩૦ થી ૩૫ ટકા જ સહાય જમા થાય છે, જે અપૂરતી છે. ખેડૂતોએ શિયાળુ વાવેતર માટે મૂડી અને પાક ધિરાણ ભરવામાં મુશ્કેલી પડતી હોવાથી સરકારે મદદરૂપ થવું જોઈએ તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી.
