GUJARAT : ૬૮૫ લોકો દ્વારા કરાયેલા સામૂહિક ધૂપ સ્નાન, ફેસ મડ પેક અને વૃક્ષાસનને IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં પ્રાપ્ત થયું સ્થાન

0
34
meetarticle

ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં નેચરોપેથી – પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલે ‘નેચરોપથી ડે’ અને ‘પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વ’ના કટ આઉટનું અનાવરણ કર્યું હતું. પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વની ઉજવણી અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે ૬૮૫ લોકોએ એકસાથે વૃક્ષાસન કરી, ચેહરા પર ફેસ મડ પેક કરીને સામૂહિક ધૂપ સ્નાન કર્યા હતા. જેને IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડ ઘોષિત કરવામાં આવ્યો હતો. સાથે જ, ૬૮૫ લોકો દ્વારા કરાયેલા સામૂહિક વૃક્ષાસન અને ધૂપ સ્નાનને એશિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડ ઘોષિત કરવામાં આવ્યો હતો. જેમાં વિરમગામના નીલકંઠ વાસુકીયા, ખેમાભાઇ રથવી, કૃષ્ણકાંત ઠાકોર, ઉર્વેશભાઈ રાઠોડ રેકોર્ડમાં સહભાગી થયા હતાં અને તેઓને અનેક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.


આઠમાં પ્રાકૃતિક ચિકિત્સા દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આજના ભૌતિકવાદના યુગના દુષ્પરિણામો આપણે અનુભવી રહ્યા છીએ. આવા સમયે સ્વાસ્થ્ય અને પ્રકૃતિ સાથે જોડાણનું મહાઅભિયાન ચલાવવા બદલ તેમણે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અનંત બિરાદરે આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આઠમાં પ્રાકૃતિક ચિકિત્સા દિવસની ઉજવણીના ભાગરૂપે સૂર્યા ફાઉન્ડેશન-INO(ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશન) અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપથી (NIN), આયુષ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી ૯ થી ૧૮ નવેમ્બર દરમિયાન ગુજરાત રાજ્ય અને દેશના અન્ય ભાગોમાં યોગ-પ્રાકૃતિક ચિકિત્સા પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશનના ગુજરાતના અધ્યક્ષ મુકેશભાઈ શાહે સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રાકૃતિક ખેતીની મુહિમ શરૂ કરાવવા સાથે ગુરુકુળ શિક્ષણ પરંપરા અને આયુર્વેદની સંસ્કૃતિ આગળ વધારવા સતત માર્ગદર્શન પૂરું પાડ્યું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સામૂહિકપણે નેચરોપથી ગીતનું ગાન કર્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here