ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામની સીમમાં બે વર્ષ પહેલા ૧૩ વર્ષની માનસિક અને શારીરિક રીતે અશક્ત બાળકી ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં નડિયાદની સેશન્સ કોર્ટ ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપીને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે બે વર્ષે પીડિતા અને તેના પરિવારને ન્યાય મળ્યો છે.

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામના શેખ ફળિયામાં રહેતો રિયાઝખાન અકબરખાન પઠાણ ત્રણ સંતાનોનો પિતા હોવા છતાં, તેણે બે વર્ષ પહેલા ગામની સીમમાં લાકડા કાપવા ગયેલી ૧૩ વર્ષની દિવ્યાંગ બાળકીની લાચારીનો લાભ લીધો હતો. ભોગ બનનાર બાળકી જ્યારે ગૌચર જમીનમાં તેના પિતાને જમવા માટે બોલાવવા જતી હતી, ત્યારે આરોપીએ તેની સાથે આ દુષ્કૃત્ય આચર્યું હતું. આ ઘટના સમયે બાળકીના પિતા ત્યાં આવી પહોંચતા તેમણે આરોપીને નજરે જોયો હતો અને બૂમ પાડતા આરોપી ત્યાંથી નાસી છૂટયો હતો.
આ મામલે સેવાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી અને એફએસએલ તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ નડિયાદની સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા જિલ્લા સરકારી વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. સરકાર પક્ષે કુલ ૧૧ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને ૨૦ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે આરોપી તરફે ૩ સાક્ષીઓની તપાસ થઈ હતી. આ કેસમાં ભોગ બનનારની જુબાની, નજરે જોનાર પિતાની જુબાની તેમજ મેડિકલ રિપોર્ટ અને પોઝિટિવ એફએસએલ અહેવાલ મુખ્ય પુરાવા સાબિત થયા હતા. તમામ પુરાવાઓ ધ્યાને લઈ કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સજા અને ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે.

