ભ્રષ્ટાચાર વિરોધી દળ (ACB) એ મોરબીમાં PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) કચેરી નજીક સફળ ટ્રેપ ગોઠવીને લાંચ લેતા બે આરોપીઓની ધરપકડ કરી છે.
ઝડપાયેલા આરોપીઓ
(૧)મિનેષભાઇ અરજણભાઇ જાદવ: નાયબ ઇજનેર, વર્ગ-૧, પી.જી.વી.સી.એલ વિભાગીય કચેરી-૧, મોરબી.
(૨)પ્રવીણભાઇ નાનજીભાઇ માકાસણા: (પ્રજાજન/વચેટિયો)

એક જાગૃત નાગરિક અને ફરિયાદીની કંપની દ્વારા સ્થાપિત બે સોલાર પ્લાન્ટમાં સમયસર ઇલેક્ટ્રિક મીટર લગાવવા અને ભવિષ્યમાં કોઈ હેરાનગતિ ન કરવાના બદલામાં આરોપી નં. (૧) નાયબ ઇજનેર મિનેષભાઇ જાદવે ફરિયાદી પાસેથી ₹૨૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.ફરિયાદીએ લાંચના નાણાં આપવા ન માંગતા રાજકોટ ગ્રામ્ય એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ACB દ્વારા ગોઠવવામાં આવેલા છટકા દરમિયાન, નાયબ ઇજનેરે લાંચની રકમ આરોપી નં. (૨) પ્રવીણભાઇ માકાસણાને આપવા જણાવ્યું હતું.

પ્રવીણભાઇ માકાસણાએ ફરિયાદી પાસેથી ગેરકાયદેસર લાંચની રકમ ₹૨૦,૦૦૦/- સ્વીકારતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો. સ્થળ પરથી લાંચની રકમ સંપૂર્ણપણે રીકવર કરવામાં આવી છે.બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરીને ગુનો આચર્યો હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી છે.આ સફળ ટ્રેપ જે.એમ.આલ, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે., રાજકોટ ગ્રામ્ય તથા સ્ટાફ દ્વારા આયોજિત કરવામાં આવી હતી, જેનું સુપરવિઝન કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ દ્વારા કરવામાં આવ્યું હતું.

