વીજચોરી રોકવા માટે ડીજીવીસીએલ (DGVCL) વિભાગ દ્વારા જંબુસર તાલુકામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ૭ કલાકમાં કુલ ૬૭ સ્થળોએથી રૂ. ૪૫ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.

ભરૂચ અને સુરત ડીજીવીસીએલ વિભાગની કુલ ૪૧ ટીમોએ વહેલી સવારે ૫:૩૦ વાગ્યે જંબુસર શહેર અને ભડકોદરા, દેવલા, ટંકારી, છિદ્રા સહિત ૪ ગ્રામ્ય વિસ્તારમાં આકસ્મિક તપાસ શરૂ કરી હતી. આ ટીમોએ ૬.૫ કલાકની કાર્યવાહીમાં કુલ ૨,૨૦૦ જેટલા વીજ જોડાણોની તપાસ કરી હતી.
તપાસ દરમિયાન ૬૭ જોડાણોમાં વીજચોરી થતી હોવાનું સામે આવતા ગ્રાહકોને કુલ રૂ. ૪૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
વીજચોરી બે મુખ્ય રીતે થઈ રહી હતી: મીટરની અંદર છેડા કરીને ડાયરેક્ટ જોડાણ કરવું, અને મુખ્ય વીજ લાઇનમાંથી ‘લંગરિયુ’ (Hooking) દ્વારા સીધું જોડાણ મેળવવું. વીજ વિભાગે આવા ગ્રાહકોના મીટર સહિત લંગરયું કરેલા વાયરો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
