અમદાવાદના પરફોર્મિંગ આર્ટ્સ ક્ષેત્ર માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે, જ્યાં અમદાવાદ બેલે સ્કૂલ – સેન્ટર ફોર ડાન્સ એન્ડ આર્ટ્સ (ABS) એ ગ્રેટ ઇન્ડિયન બેલે કમ્પિટિશન (GIBC) 2026 માં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા 24, 25 અને 26 જાન્યુઆરી 2026 ના રોજ મુક્તિ કલ્ચરલ હબ, અંધેરી વેસ્ટ, મુંબઈ ખાતે યોજાઈ હતી. અમદાવાદ માટે બેલે નૃત્ય હજી નવી કલાપ્રકાર હોવા છતાં, આ સફળતા શહેર માટે ગૌરવ અને પ્રેરણાનો વિષય બની છે.

ડિસેમ્બર 2018 માં શરૂ થયેલી GIBC આજે ભારતની સૌથી વિશિષ્ટ અને પ્રતિષ્ઠિત બેલે સ્પર્ધાઓમાંની એક તરીકે ઓળખાય છે. મુંબઈ સ્થિત ઇન્ડિયન બેલે બૂટિક (IBB) દ્વારા આયોજિત આ અખિલ ભારતીય સ્પર્ધાનો હેતુ ભારતીય બેલે સમુદાયને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવાનો છે. સ્પર્ધામાં અમેરિકા, યુકે, સ્વીડન, ક્રોએશિયા, સાઉથ આફ્રિકા, સર્બિયા, જાપાન, સિંગાપુર અને સ્પેન જેવા દેશોના આંતરરાષ્ટ્રીય જ્યુરી સભ્યો સામેલ રહ્યા છે. આ સ્પર્ધા આંતરરાષ્ટ્રીય તાલીમ માટે સ્કોલરશિપ આપતી સ્પર્ધા તરીકે પણ ઓળખાય છે.
GIBC 2026 માં અમદાવાદ બેલે સ્કૂલના કુલ 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંમાંથી 6 વિદ્યાર્થીઓ ફાઇનલ રાઉન્ડ માટે પસંદ થયા અને તેમાંથી 4 વિદ્યાર્થીઓએ તેમના કેટેગરીમાં વિજેતા બનીને અમદાવાદનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કર્યું.
• દિવા સૌમિલ ત્રિવેદી અને દિત્યા સૌમિલ ત્રિવેદી એ ડ્યુએટ ક્લાસિકલ બેલે માં પ્રથમ ઇનામ મેળવ્યું
• ધૃતા હેમંત દવે એ સોલો ક્લાસિકલ બેલે માં બીજું ઇનામ મેળવ્યું
• જિનાંશી સ્મિત શાહ એ સોલો ક્લાસિકલ બેલે માં ત્રીજું ઇનામ મેળવવા સાથે બેથની ગાર્નર કોચિંગ સ્કૂલ માં સ્કોલરશિપ પણ પ્રાપ્ત કરી
આ સાથે સાથે, અમદાવાદ બેલે સ્કૂલને યુકે સ્થિત “એસોસિએશન ઓફ રશિયન બેલે એન્ડ થિયેટર આર્ટ્સ” દ્વારા 12 મહિના માટે ટીચર્સ મેમ્બરશિપ સ્કોલરશિપ પણ આપવામાં આવી, જે સંસ્થાની તાલીમ પદ્ધતિ અને શિક્ષણ ગુણવત્તાની આંતરરાષ્ટ્રીય માન્યતા દર્શાવે છે.
અમદાવાદ બેલે સ્કૂલ – સેન્ટર ફોર ડાન્સ એન્ડ આર્ટ્સ ના સ્થાપક અને ડિરેક્ટર દીપક પ્રજાપતિ છે, જે સંસ્થાના પ્રિન્સિપલ કોરિયોગ્રાફર પણ છે, જ્યારે સંસ્થાની કલાત્મક દિશાનું નેતૃત્વ આર્ટિસ્ટિક ડિરેક્ટર ભૂમિતિ પ્રજાપતિ કરે છે. તેમના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં બેલે નૃત્યને વ્યવસાયિક અને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ કાર્ય થઈ રહ્યું છે.
આ સિદ્ધિ માત્ર વિદ્યાર્થીઓ માટે નહીં પરંતુ અમદાવાદ શહેર માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થઈ છે અને શહેરને ભારતના ક્લાસિકલ બેલે નકશા પર મજબૂત રીતે સ્થાન અપાવ્યું છે.

