એમ.એસ.યુનિવર્સિટીની તમામ બિલ્ડિંગોને એનબીસી(નેશનલ બિલ્ડિંગ કોડ)ની ગાઈડ લાઈન પ્રમાણે ફાયર સેફટીના સાધનોથી સજ્જ કરવાની કામગીરી યુનિવર્સિટી દ્વારા શરુ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેકટ માટે લગભગ 15 કરોડ રુપિયાના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં આ પ્રોજેકટના ભાગરુપે પાણીનો સંપ ઉભો કરવામાં આવશે. જેને પાઈપ લાઈન થકી બિલ્ડિંગ સાથે જોડવામાં આવશે. બિલ્ડિંગમાં ફાયર એક્સ્ટિંગ્યુશર, સ્મોક એલાર્મ જેવા ઈક્વિપમેન્ટ પણ મૂકવામા આવશે અને એ પછી ફાયર બ્રિગેડની એનઓસી મેળવવા માટે કાર્યવાહી હાથ ધરાશે.

સૂત્રોનું કહેવું છે કે, પહેલા તબક્કામાં પરફોર્મિંગ આર્ટસમાં આ કામગીરી પૂરી થઈ ગઈ છે.સૌથી પહેલી ફાયર એનઓસી પણ આ જ ફેકલ્ટીને મળશે.પોલીટેકનિક, હોસ્ટેલ કેમ્પસમાં અત્યારે આ કામગીરી ચાલી રહી છે. એ પછી તબક્કાવાર અન્ય ફેકલ્ટીઓમાં પણ ફાયર સેફટી માટે કામગીરી હાથ ધરાશે. કોમર્સ, આર્ટસ અને સાયન્સ જેવી મોટી ફેકલ્ટીઓને અંતિમ તબક્કામાં આવરી લેવાશે.યુનિવર્સિટીની સ્થાપના બાદ પહેલી વખત ફાયર સેફટીના મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવ્યો છે.
યુનિવર્સિટી કેમ્પસમાં અલગ અલગ ફેકલ્ટીઓના કુલ 140 બિલ્ડિંગ છે અને આ તમામ બિલ્ડિંગને ફાયર ઈક્વિપમેન્ટથી સજ્જ કરવાનુ લક્ષ્યાંક છે. જોકે આ પૈકીના કેટલાક હેરિટેજ બિલ્ડિંગ હોવાથી અહીંયા કામગીરી પણ પડકારજનક છે. ઉપરાંત તમામ બિલ્ડિંગમાં ફાયર સેફટીનો અમલ કરવા માટે બજેટ વધે તેવી શક્યતા છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર પાસે પણ યુનિવર્સિટીએ મદદ માગી છે.
