પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રીછવાણી ગામમાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે બાતમીના આધારે લિસ્ટેડ બુટલેગર બાબુભાઈ ઉર્ફે બાબુ ચોટલી નાણાભાઈ વણકરના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 2027 નંગ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹5,68,600 થાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ₹10 લાખની કિંમતની બે બોલેરો જીપ અને પાંચ મોબાઈલ ફોન મળી કુલ ₹16,38,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ દરોડા દરમિયાન પોલીસે મુખ્ય ગ્રાહક (રિસીવર) બાબુભાઈ ઉર્ફે બાબુ ચોટલી વણકર સહિત સુનિલ પરમાર, અક્ષય રાઠવા અને રાજેશ વણકર નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, દારૂનો આ જથ્થો મધ્યપ્રદેશના કાઠીવાડાના અશોકભાઈ પ્રતાપસિંહ બારિયાએ સપ્લાય કર્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ કરી છે. SMC એ પકડાયેલા ચારેય આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે દામવાવ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.

