સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે પાલનપુરના ચિત્રાસણી ગામ નજીક તિરંગા હોટલના કમ્પાઉન્ડમાં છાપો મારીને ગુજરાત-રાજસ્થાન ડ્રગ્સ કનેક્શનનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

એસ.એમ.સી.ની ટીમે સ્થળ પરથી ૧૧૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જેની બજાર કિંમત રૂ. ૩,૩૦,૦૦૦/- આંકવામાં આવી છે. ડ્રગ્સ ઉપરાંત, મારુતિ અર્ટિગા કાર (રૂ. ૭ લાખ), ૪ નંગ મોબાઇલ, રોકડ રૂ. ૩૫,૦૦૦/-, અને વજન કાંટો સહિત કુલ રૂ. ૧૧,૦૫,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કરાયો છે.
પકડાયેલ ચારેય આરોપીઓ (મુખ્ય આરોપી ફરદીન શેરમોહમ્મદ પઠાણ સહિત) રાજસ્થાનના સિરોહી જિલ્લાના રહેવાસી છે. SMC એ આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય કરતા રાજસ્થાનના અન્ય બે મુખ્ય આરોપીઓને (સંજયસિંહ અને કે.પી. સિંહ) વોન્ટેડ જાહેર કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

