સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર દારૂની સપ્લાયર ચેઈનને તોડવા માટે એક મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત SMCની ટીમોએ પશ્ચિમ કચ્છ-ભુજની હદમાં આવેલા મુંદ્રા વિસ્તારમાંથી બે દિવસમાં બે કેસ શોધી કાઢ્યા છે .SMCને મળેલી બાતમીના આધારે, તા. ૨૨/૧૧/૨૦૨૫ અને તા. ૨૩/૧૧/૨૦૨૫ ના રોજ બે અલગ-અલગ દરોડા પાડવામાં આવ્યા હતા.
જેમાં પ્રથમ કેસમાં મુંદ્રા નિર્મન કોમ્પ્લેક્સ પાસેથી ટ્રેલર સાથેના બે કન્ટેનરમાંથી ૧૧,૭૩૧ બોટલ (કિં. ₹૧.૫૪ કરોડ) દારૂ જપ્ત કરાયો હતો. આ કેસમાં ૨ આરોપી પકડાયા છે અને લીસ્ટેડ બુટલેગર અનોપસિંહ રાઠોડ સહિત ૪ વોન્ટેડ છે.
જયારે બીજા કેસમાં મુંદ્રા પોર્ટ રેલવે સ્ટેશન નજીકથી બીજા એક કન્ટેનરમાંથી ૧૨,૬૦૦ બોટલ (કિં. ₹૧.૪૨ કરોડ) દારૂ મળી આવ્યો હતો, જેમાં બે વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

આમ, SMC દ્વારા બે દિવસમાં કુલ ૨૪,૩૩૧ બોટલ વિદેશી દારૂ (કિં. ₹૨.૯૭ કરોડ) અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹૩,૨૬,૧૨,૩૦૦/- નો જંગી જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આ બંને કેસોમાં એક ઉલ્લેખનીય બાબત એ છે કે, મેસર્સ બાલાજી ટ્રેડિંગ કંપની, ફિરોજપુર, પંજાબ ખાતેથી દારૂનો જથ્થો રેલવેના માધ્યમથી ગુજરાતમાં પ્રવેશ કરાવવામાં આવી રહ્યો હતો. ગેરકાયદેસર હેરાફેરી છુપાવવાના પ્રયાસરૂપે, કબજે કરાયેલા IMFL જથ્થાના બેચ નંબરના સ્ટીકર અને કોડનો નાશ કરવામાં આવેલો હતો.


