ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે વડોદરા રેલવે સ્ટેશન પરથી લાખોની કિંમતના માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્લેટફોર્મ નંબર-૧ પર દરોડો પાડી પોલીસે ૨૩૯.૯૪૦ ગ્રામ શુદ્ધ હેરોઇન સાથે એક શખ્સને દબોચી લીધો છે, જ્યારે પંજાબના મુખ્ય ડ્રગ્સ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વિગત મુજબ, SMC ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વડોદરા રેલવે સ્ટેશન પર વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતા અમરીકસીંગ ઉર્ફે સોનુ મલ્હી પાસેથી ₹૪૭,૯૮,૮૦૦/- ની કિંમતનું હેરોઇન મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ ₹૪૮,૦૭,૦૯૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુખ્ય આરોપી હાલ વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તેની ધરપકડની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો પંજાબના ભટીંડાના નિશાનસીંગે સપ્લાય કર્યો હોવાનું બહાર આવતા તેને પકડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

