અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા નોબેલ માર્કેટમાં ગતરોજ વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માર્કેટમાં આવેલા સ્ક્રેપના બે મોટા ગોડાઉનો આગની લપેટમાં આવી જતાં અંદર રાખેલો લાખોનો ભંગાર અને માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

પ્રાથમિક તારણ મુજબ, નોબેલ માર્કેટની નજીક આવેલી ભડકોદ્રા ગામની ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગ ધીરે ધીરે ગોડાઉન સુધી પ્રસરી હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વેપારીઓને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

