ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના સારંગપુર સ્થિત મારૂતીધામ સોસાયટી ખાતે ‘અંકલેશ્વર પાલ સમાજ જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. શ્રીધામ હરિયાવન-વૃંદાવનથી પધારેલા ખ્યાતનામ કથાકાર શાસ્ત્રી કુંતી બઘેલની પાવન વાણીમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું રસપાન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા.

કથાના મંગલ પ્રારંભ સાથે જ શાસ્ત્રીજીએ ભગવાનના વિવિધ અવતારો અને જીવન જીવવાની કળા વિશે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. ભજન-કીર્તનની સુરાવલીઓ અને દિવ્ય આરતીના નાદથી સમગ્ર સોસાયટી પરિસર જાણે ગોકુળધામમાં ફેરવાઈ ગયું હતું. આ ભક્તિમય અવસરે પાલ સમાજ જનસેવા ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ-બહેનોએ હાજરી આપી કૃષ્ણ જન્મોત્સવ અને રુક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.આયોજક ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, સમાજમાં સંસ્કારોનું સિંચન થાય અને લોકો ભક્તિમાર્ગે વળે તેવા ઉમદા હેતુથી આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાના અંતે પ્રસાદ અને ભંડારાનું પણ આયોજન કરાયું હતું.
