અંકલેશ્વરના ગંગા જમના વિસ્તારમાં ગતરોજ વહેલી સવારે એક બેકાબુ બનેલી કાર સોસાયટીની મજબૂત દીવાલ તોડીને સીધી જ એક મકાનની અંદર ઘૂસી જતાં સમગ્ર વિસ્તારમાં ફાળ પડી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગંગા જમના સોસાયટીમાં પુરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ બનેલી આ કારે સૌ પ્રથમ રસ્તા પર ઉભેલી અન્ય એક કારને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ ધડાકાભેર સોસાયટીની દીવાલ તોડી મકાનમાં ઘૂસી ગઈ હતી. વહેલી સવારે થયેલા પ્રચંડ ધડાકાને કારણે સોસાયટીના રહીશો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. મકાનની દીવાલ ધરાશાયી થવાને કારણે તેમજ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ કાર ચાલકની ગફલતને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
