અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલ ટ્રેડિંગના વેપારીને વ્યાજના વિષચક્રમાં ફસાવી પાયમાલ કરનારા ત્રણ વ્યાજખોરોને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જલધારા ચોકડી પાસે રહેતા વેપારીએ વ્યાજખોર અફઝલ પઠાણ પાસેથી ૪ ટકા વ્યાજે ₹૫૦ લાખ લીધા હતા, જેના બદલામાં છેલ્લા ૪૫ મહિનામાં વ્યાજ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મળી કુલ ₹૧.૨૬ કરોડ ચૂકવી દીધા હોવા છતાં, આરોપીઓ હજુ પણ મૂળ રકમની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.

વેપારીના પત્નીએ હિંમત દાખવી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મુખ્ય સૂત્રધાર અફઝલ પઠાણ, તૌસિફ શેખ અને ઝુબેર શેખની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અગાઉ આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો અફઝલ પઠાણ ઊંચા વ્યાજે નાણાં આપી લોકોનું શોષણ કરતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી વધુ વિગતો મેળવવા રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેનાથી અન્ય કેટલા લોકો આ ટોળકીનો શિકાર બન્યા છે તેનો પર્દાફાશ થવાની શક્યતા છે.
