GUJARAT : અદાણીની ઓફિસમાં ખેડૂતોનો હોબાળો: “અમારા ખેતરમાં મંજૂરી વગર ઘૂસો છો, તો અમને ઓફિસમાં કેમ નથી ઘૂસવા દેતા?”

0
17
meetarticle

ગુજરાતમાં ઉદ્યોગપતિઓ અને ખેડૂતો વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ લાગે છે. અમદાવાદ સ્થિત અદાણી ગ્રુપની ઓફિસ આજે રણમેદાન બની ગઈ હતી. વીજલાઈન નાખવાના મુદ્દે ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવાની વાતો વચ્ચે જ્યારે ખેડૂતો પોતાની રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે તેમને ઓફિસની અંદર પણ પ્રવેશવા ન દેવાતા ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

ખેડૂતોનો તીખો સવાલ: નિયમો કોના માટે?
ખેડૂતોએ ઓફિસની બહાર સૂત્રોચ્ચાર કરતા સત્તાધીશો અને કંપનીના મેનેજમેન્ટને આડેહાથ લીધા હતા. એક લાચાર પણ આક્રમક ખેડૂતે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, “તમે જ્યારે વીજલાઈન નાખવા માટે અમારા ખેતરોમાં મંજૂરી વગર ઘૂસી જાઓ છો ત્યારે કોઈ નિયમો નથી નડતા? આજે જ્યારે તમે પોતે જ અમને વાંધા રજૂ કરવા માટે બોલાવ્યા છે, ત્યારે અમને તમારી ઓફિસના પગથિયાં પણ કેમ નથી ચઢવા દેવાતા?”
મુદ્દો શું છે?
અદાણી ગ્રુપ દ્વારા નવી હાઈ-વોલ્ટેજ વીજલાઈન નાખવા માટે રાજ્યના અનેક વિસ્તારોમાંથી ખેડૂતોની ખેતીલાયક જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે:

  • જમીન પર ટાવર ઉભા કરતા પહેલા ખેડૂતોને યોગ્ય વળતરની જાણ કરવામાં નથી આવતી.
  • ઉભા પાકને નુકસાન પહોંચાડીને બળજબરીપૂર્વક કામગીરી શરૂ કરી દેવાય છે.
  • જ્યારે ખેડૂતો કાયદેસરની રજૂઆત કરવા આવે છે, ત્યારે સિક્યુરિટી અને પોલીસના જોરે તેમને દબાવવામાં આવે છે.
    ઓફિસ બહાર જ જમાવડો
    ખેડૂતોએ જણાવ્યું હતું કે નિયમ મુજબ કંપનીએ વાંધા સાંભળવા માટે ખેડૂતોને બોલાવ્યા હતા. પરંતુ ઓફિસના ગેટ પર પહોંચતા જ તેમને રોકી દેવામાં આવ્યા. ખેડૂતોએ સવાલ કર્યો કે જો રજૂઆત સાંભળવી જ નહોતી તો બોલાવ્યા જ કેમ? “શું ઉદ્યોગપતિઓ માટે કાયદો અલગ છે અને ધરતીપુત્રો માટે અલગ?” તેવો સવાલ અત્યારે આખા ગુજરાતમાં ગૂંજી રહ્યો છે.
    ‘CN24નો અવાજ: વિકાસ કોનો ભોગે?
    વિકાસના નામે ખેડૂતોની જમીનો છીનવી લેવાની નીતિ સામે હવે ગ્રામ્ય સ્તરેથી વિરોધનો વંટોળ ઉઠ્યો છે. અદાણી ગ્રુપના આ વર્તનથી ખેડૂતોમાં ભારે રોષ છે. જો આગામી દિવસોમાં આ મામલે ખેડૂતોને સંતોષકારક જવાબ નહીં મળે, તો આ આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here