GUJARAT : અમદાવાદ સોનુ રૂ.1,21,000ને પાર, ચાંદી પણ નવી ટોચે પહોંચી

0
74
meetarticle

અમેરિકામાં શટડાઉન લાગુ થતા મોટાભાગના સરકારી કામકાજ ખોરવાઈ જવાથી ઊભી થયેલી સ્થિતિને કારણે વધેલી સેફ હેવન માગ અને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો આવવાની શકયતા મજબૂત બની રહી હોવાથી વૈશ્વિક સોનાચાંદીના ભાવમાં નવી વિક્રમી સપાટી જોવા મળી હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ દશેરાની પૂર્વસંધ્યાએ તેજીનો ઘોડો દોડતો રહ્યો હતો. સોનામાં રૂપિયા ૨૦૦૦ જ્યારે ચાંદીમાં રૂપિયા ૨૬૦૦થી વધુનો ઉછાળો આવ્યો હતો. અમદાવાદ સોનુ રૂપિયા ૧,૨૧,૦૦૦ને પાર કરી ગયું હતું. વિશ્વ બજારમાં ઊંચા ભાવને ધ્યાનમાં રાખી કસ્ટમ્સ સત્તાવાળાઓએ આયાત ડયૂટીની ગણતરી માટેની ટેરિફ વેલ્યુમાં જોરદાર વધારો કર્યો છે જેને પરિણામે સોનાચાંદીનો પડતર ખર્ચ ઊંચે જશે.

અમદાવાદ બજારમાં પણ સોનાચાંદીએ દશેરાની  પૂર્વસંંધ્યાએ નવા ઊંચા ભાવ દર્શાવ્યા છે. ૯૯.૯૦ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૨૧,૫૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામના રૂપિયા ૧,૨૧,૨૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૪૮,૦૦૦ કવોટ થતા હતા. 

મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૨૦૦૦ વધી રૂપિયા ૧,૧૭,૩૩૨ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ રૂપિયા ૧,૨૦,૮૫૧ મુકાતા હતા. ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૧૬,૮૬૨ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૪૫,૧૨૦ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ રૂપિયા ૧,૪૯,૪૭૦ આસપાસ કવોટ થતા હતા. 

કસ્ટમ્સ ડયૂટીની ગણતરી માટે નિશ્ચિત કરાતી ટેરિફ વેલ્યુમાં જોરદાર વધારો કરવામાં આવ્યો છે. સોનાની ટેરિફ વેલ્યુ પ્રતિ દસ ગ્રામ ૧૧૭૫ ડોલરથી વધારી ૧૨૩૧ ડોલર કરાઈ છે જ્યારે ચાંદીની પ્રતિ કિલો ૧૩૬૪ ડોલરથી વધારી ૧૫૧૫ ડોલર કરવામાં આવી છે. 

અમેરિકામાં શટડાઉનથી આર્થિક પ્રવૃત્તિ ધીમી પડવાની ચિંતાએ સેફ હેવન લેવાલી નીકળતા ભાવ  ફરી ઊંચકાયા હતા. આ ઉપરાંત ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાતની શકયતા પણ મજબૂત બનતી જાય છે, જે ભાવમાં ઉછાળાનું  એક કારણ બની રહી છે. વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૩૮૬૮ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૪૭.૩૯ ડોલર કવોટ થતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૫૭૩ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૨૫૦ ડોલર મુકાતું હતું. 

ઓપેક તથા સાથી દેશો દ્વારા નવેમ્બરથી પૂરવઠો વધારવાના સંકેતને પગલે ક્રુડ તેલમાં નરમાઈ ચાલુ રહી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૨ ડોલરની અંદર ઊતરી ૬૧.૮૬ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૬ ડોલરની અંદર ઊતરી ૬૫.૩૪ ડોલર મુકાતું હતું. સાઉદી ખાતેથી સપ્ટેમ્બરમાં ક્રુડ તેલની નિકાસ વધી ૧૮ મહિનાની ટોચે રહેતા માલ ભરાવાની ચિંતાએ પણ ભાવ પર દબાણ આવ્યું હતું. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here