શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી એમ.એમ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના ટ્રસ્ટી અને વોચમેન દ્વારા નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પાસે પેન્શન અને જીપીએફની ફાઈલો ક્લિયર કરવાના બદલામાં ₹૩ લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ મામલે એસીબીએ ટ્રસ્ટી તિમિર અમીન અને વોચમેન મુરલીમનોહર ઝંડોલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, ફરિયાદ કરનાર નિવૃત્ત પ્રિન્સિપાલના પેન્શન, જીપીએફ અને રજાના રોકડ રૂપાંતરણની ફાઈલોમાં સહી કરવાના અવેજમાં ટ્રસ્ટી તિમિર અમીને અગાઉ ₹૫ લાખની માંગણી કરી હતી, જેમાંથી ₹૨ લાખ તેઓ અગાઉ લઈ ચૂક્યા હતા. બાકીના ₹૩ લાખ માટે દબાણ કરવામાં આવતા જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કર્યો હતો. ગઈકાલે ટ્રસ્ટીના કહેવાથી પંકજ વિદ્યાલયના કેમ્પસમાં વોચમેન જ્યારે લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો ત્યારે એસીબીના પી.આઈ. આર.આઈ. પરમારની ટીમે છટકું ગોઠવી તેને દબોચી લીધો હતો.
ટ્રેપ દરમિયાન વોચમેન ઝડપાઈ ગયો હતો જ્યારે ટ્રસ્ટી તિમિર અમીન નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. એસીબીએ લાંચની ₹૩ લાખની રકમ રિકવર કરી બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સફળ ઓપરેશન એસીબીના નાયબ નિયામક હરેશ મેવાડા અને મદદનીશ નિયામક એમ.એચ. પુવારના સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું.

