વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવન દાયી સાબિત થાય તેવા હેતુસર આજે આદર્શ વિદ્યાલય (વી.આર. વિદ્યાલય) પાલનપુર ખાતે “નમો કે નામ રક્તદાન” મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ સંયુક્ત કર્મચારી મોરચો બનાસકાંઠા ના નેજા હેઠળ જિલ્લાની વિવિધ સંઘો, મંડળો તથા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ “એક કર્મચારી – એક રક્તદાતા” ના સંકલ્પને સાર્થક કરવો તેમજ સિકલસેલ, થેલેસેમિયા, હિમોફીલિયા જેવા દર્દીઓ તથા ઓપરેશન, સગર્ભા અવસ્થા અને પ્રસૂતિ વખતે થતા માતા મૃત્યુદરને ઘટાડવાનો છે.
જિલ્લામાં કુલ ૭ સ્થળો – પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા, દિયોદર અને કાંકરેજમાં સવારે ૮ વાગ્યાથી રક્તદાન કેમ્પ યોજાયા હતા. આ અભિયાનમાં જિલ્લામાંથી અંદાજિત ૫૫૦૦ જેટલા કર્મચારીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી આશરે ૬૦ ટકા કર્મચારીઓ પ્રથમ વખત રક્તદાન કરી રહ્યા હતા.
કેમ્પમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, શિક્ષક મિત્રો, ખાનગી તથા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, પોલીસ વિભાગ તેમજ મડાણા એસ.આર.પી. કેમ્પના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રક્તદાન કરનાર દરેક કર્મચારીને જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા તરફથી પ્રમાણપત્ર અને સ્મૃતિભેટ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી એમ.જે. દવે, જિલ્લા શિક્ષણાધિકારી ડો. હિતેશ પટેલ, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તથા ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહી કર્મચારીઓના આ પ્રેરણાદાયી પ્રયાસને બિરદાવ્યો હતો.
પ્રતિનિધિ : દિપક પુરબીયા

