આમોદની શમા હોટલ ખાતે ઉત્તર પ્રદેશના એક ટ્રક ડ્રાઈવરનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેને પગલે વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

મૃતક કિસ્મઅલી સહેજાદઅલી શેખ (રહે. મનિકૌર, યુ.પી.) નામના ટ્રક ડ્રાઈવર સાંજના ૬ વાગ્યાના અરસામાં પોતાની ટ્રક (નંબર MH06 AQ-9654) પાર્ક કરીને શમા હોટલના કાઉન્ટર પર સોડા લેવા ગયા હતા. સોડા લીધા બાદ અચાનક તેમને હાર્ટ એટેક આવતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા.
હોટલના માલિક ઇમરાનભાઈએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેમને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આમોદ પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી આ અંગે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

