GUJARAT : આમોદમાં નહેર બની ‘જંગલ’: પાણી વિના ખેતીનો સોથ વળ્યો, તંત્રની બેદરકારી સામે ખેડૂતોનો ઉગ્ર આંદોલનનો હુંકાર

0
37
meetarticle

આમોદ તાલુકાના અનેક ગામડાઓમાં સિંચાઈના પાણી માટે હાહાકાર મચી ગયો છે. રોજા ટંકારીયા ગામ પાસેથી પસાર થતી અને આછોદ, મછાસરા, હેતમપુરા, વલીપોર સહિતના ગામોને જોડતી મુખ્ય નહેર તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે ઝાડી-ઝાંખર અને ગાદથી ભરેલા જંગલમાં ફેરવાઈ ગઈ છે. નહેરમાં જામી ગયેલી ગંદકી અને કચરાના કારણે પાણીનો પ્રવાહ ખોરવાઈ જતા છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી, જેના પરિણામે હજારો એકરનો ઊભો પાક સુકાઈ રહ્યો છે અને ધરતીપુત્રો વિનાશના કિનારે આવી ઊભા છે.
​દેણવા ડિસ્ટ્રિક્ટની અંદાજે ૧૬ કિમી લાંબી નહેરની જાળવણી મુદ્દે નહેર વિભાગના અધિકારીઓ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે નહેર સફાઈ માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, છતાં વાસ્તવિકતામાં કોઈ કામગીરી થતી નથી. વિભાગ દ્વારા નહેર સફાઈ માટે પ્રતિ મીટર માત્ર ૧૬ રૂપિયાનો દર નક્કી કરાયો હોવાથી કોઈ મજૂર કામ કરવા તૈયાર નથી, જેને તંત્રની ‘કાગળ પરની કામગીરી’ ગણાવવામાં આવી રહી છે. વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં તંત્ર કુંભકર્ણી નિંદ્રામાં હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


​ખેડૂતોએ તંત્રને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આગામી ૪ થી ૫ દિવસમાં નહેર વાટે પાણી આપવામાં નહીં આવે, તો તાલુકાથી લઈને ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઊભા પાકને બચાવવા માટે હવે ખેડૂતો રસ્તા પર ઉતરી લડત આપવા મક્કમ બન્યા છે. જો સમયસર પાણી નહીં મળે તો સર્જાનારી તમામ ગંભીર પરિસ્થિતિની જવાબદારી નહેર વિભાગ અને સંબંધિત અધિકારીઓની રહેશે તેમ ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here