જંબુસર પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલીએ ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરી છે, જેના પરિણામે જંબુસર બાદ હવે આમોદ શહેરમાં મેગા ડિમોલેશનની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જંબુસરમાં સતત ચાર દિવસ ચાલેલી સઘન ઝુંબેશ બાદ હવે આમોદ શહેરના મુખ્ય માર્ગોને ખુલ્લા કરવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે આ મામલે કડક વલણ અપનાવતા તમામ દબાણખોરો અને લારી-ગલ્લા ધારકોને તારીખ ૦૩/૦૨/૨૦૨૬ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નિર્ધારિત સમય મર્યાદામાં જો દબાણો સ્વેચ્છાએ હટાવવામાં નહીં આવે, તો કોઈપણ પ્રકારની બાંધછોડ વગર સીધી કાર્યવાહી કરી બુલડોઝર ફેરવી દેવામાં આવશે.

આ કાર્યવાહીના ભાગરૂપે આમોદના મુખ્ય ચાર રસ્તાથી લઈને નગરના પ્રવેશદ્વાર ગણાતા તિલક મેદાન સુધીના વિસ્તારમાં દબાણોની સઘન માપણી હાથ ધરવામાં આવી છે. નેશનલ હાઈવે-૬૪ પર સ્થિત દુકાનદારો દ્વારા કરવામાં આવેલું ૧૩.૭૧ મીટરનું દબાણ અને નગરપાલિકાની અંદાજે ૪ મીટર જગ્યા મળીને કુલ ૧૮ મીટર સુધીના વિસ્તારમાં ડિમોલેશનના સ્પષ્ટ સંકેતો આપતી રેખાઓ દોરી દેવામાં આવી છે. વર્ષોથી રાજકીય આશ્રય હેઠળ ફૂલેલા-ફાલેલા દબાણો, નગરપાલિકાના શોપિંગ સેન્ટરની આસપાસના ગેરકાયદેસર કબજાઓ અને માર્ગની બંને તરફ પથરાયેલા લારી-ગલ્લાઓને હવે જડમૂળથી હટાવવા માટે પ્રાંત કલેક્ટરે મક્કમ નિર્ધાર કર્યો છે. આ કડક સંદેશાને કારણે વર્ષોથી દબાણ કરી બેઠેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
માપણીની આ પ્રક્રિયા દરમિયાન ખુદ પ્રાંત કલેક્ટર સુપ્રિયા ગાંગુલીની હાજરીમાં ભરૂચ માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો, વહીવટી અધિકારીઓ અને પાલિકાના કર્મચારીઓનો મોટો કાફલો મેદાનમાં ઉતર્યો હતો. કોઈ પણ અનિચ્છનીય બનાવ કે ઘર્ષણ ટાળવા માટે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. કરમટીયાના નેતૃત્વમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આટલી વ્યાપક તૈયારીઓ જોતા સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે આ વખતે કાર્યવાહી માત્ર માપણી પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ખરેખર આમોદ શહેરને દબાણમુક્ત કરવામાં આવશે. આગામી દિવસોમાં આમોદના માર્ગો પર બુલડોઝરની ગર્જના ગૂંજશે તે લગભગ નિશ્ચિત જણાઈ રહ્યું છે.
આમોદમાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ વિરોધી ઝુંબેશને નગરજનોએ આવકારી છે, પરંતુ તેની સાથે જ લોકોમાં એક સુર એવો પણ ઉઠ્યો છે કે માત્ર રસ્તા ખુલ્લા કરવા પૂરતું નથી. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દબાણ હટાવવાની સાથે નગરની પ્રાથમિક માળખાકીય સુવિધાઓ જેવી કે વ્યવસ્થિત ડ્રેનેજ સિસ્ટમ, પીવાના પાણીની લાઈનો અને બિસ્માર રસ્તાઓના નવીનીકરણ પર પણ સમાન રીતે ધ્યાન કેન્દ્રિત કરે. નગરજનોનું કહેવું છે કે જો દબાણ મુક્ત થયેલા માર્ગો પર યોગ્ય સ્ટ્રીટ લાઈટ અને ફૂટપાથ જેવી સુવિધાઓ વિકસાવવામાં નહીં આવે, તો આ કામગીરીનો લાંબાગાળાનો લાભ મળશે નહીં. આથી, શહેરના સર્વાંગી વિકાસ માટે ડિમોલેશનની સાથે આધુનિક માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવે તે અત્યંત અનિવાર્ય છે.
REPOTER : સૈફ અલી ભટ્ટી વાગરા

