ઉતરાયણ પર્વ દરમિયાન પતંગબાજીના ઉત્સાહ વચ્ચે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા ભરૂચના નાગરિકો માટે ખાસ સલામતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. વીજ કંપનીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે પતંગ ચગાવવા કે લૂંટવા માટે વીજ લાઈનો અને થાંભલાઓનો ઉપયોગ જીવલેણ સાબિત થઈ શકે છે

.
ભરૂચ શહેર વિભાગીય કચેરીના નાયબ ઇજનેર એચ.ટી. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વીજ તારોમાં ફસાયેલી પતંગ કાઢવા માટે લંગર નાખવા કે લોખંડના સળિયાનો ઉપયોગ કરવો અત્યંત જોખમી છે. આ ઉપરાંત, મેગ્નેટિક ટેપ કે સિન્થેટિક વીજ વાહક માંજા પર પ્રતિબંધ છે, કારણ કે તે પાવર લાઈનમાં શોર્ટ સર્કિટ કરી શકે છે. વીજ પુરવઠામાં વિક્ષેપ કે અકસ્માતના સંજોગોમાં નાગરિકો ત્વરિત મદદ માટે ટોલ ફ્રી નંબર 19123, 1800 233 3003 અથવા વોટ્સએપ નંબર 63570 97833 પર સંપર્ક કરી શકે છે. DGVCL એ તમામ રહીશોને સુરક્ષિત અને આનંદમય ઉતરાયણ ઉજવવા અપીલ કરી છે.

