ઓલપાડ તાલુકામાં રૂ.૯૩૫ લાખના ખર્ચે થનાર રસ્તાઓ સહિત વિવિધ વિકાસ કામો સાથે રૂ.બે કરોડના ખર્ચે નિર્માણ થનાર વન વિશ્રામગૃહનું ખાતમુહૂર્ત પૂર્વમંત્રી અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

ઓલપાડ ટાઉનમાં યોજાયેલ વિકાસ કામોના ખાતમુહૂર્ત સમારોહમાં પૂર્વમંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે ઓલપાડ, સાયણ,કીમમાં નગરપાલિકા બનાવવા માટેની દરખાસ્ત હાલમાં જ સરકારમાં રજુ કરેલ છે.જેથી આ ત્રણે ટાઉનમાં નગરપાલિકા જાહેર થવાની ગણતરીઓ ગણાઈ રહી હોવાથી ખાસ કરીને કીમમાં દબાણ કરનારા લોકોને ટકોર કરતા કહ્યું હતું કે,આ ત્રણે ટાઉન સહિત અન્ય સરકારી જાહેર જગ્યાઓ ઉપર દબાણ કરનારા લોકોએ અત્યારથી જ દબાણ દુર કરી દેવા હું અપીલ કરૂં છું.તેમણે ચીમકી આપી વધુ જણાવ્યું હતું કે,જો તમે કોર્ટમાં જશો તો પણ અમો સરકારી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દબાણ હટાવી દઈશું. તેમણે જાહેરાત કરી હતી કે,કીમ વિસ્તાર માંથી પસાર થઈ રહેલ એક્સપ્રેસ હાઇવેની કામગીરી પૂર્ણ થવાના આરે હોવાથી નજીક ના દિવસોમાં એક્સપ્રેસ હાઇવેને સરોલીથી વાયા કીમ થઈ કીમ ચારરસ્તા સુધીનો સ્ટેટ હાઇવે છ માર્ગીય બનશે.તેમણે વધુ કહ્યું કે,ચોર્યાસી તાલુકાના કાંઠા વિસ્તારના હજીરા વિસ્તારના ગામોને જોડતો તેના ખાડીનો બ્રિજ ઓલપાડ કાંઠાના લોકો માટે આર્શીવાદ બન્યા બાદ હવે ઓલપાડના દાંડીથી હાંસોટ થઈ દહેજ સુધીના કોસ્ટલ હાઇવે માટે કેન્દ્ર સરકારે રૂ.૩૫૩ કરોડની ગ્રાન્ટ ફાળવી લીલી ઝંડી આપી દેતા નજીકનાં દિવસોમાં આ વિકાસનું કામ શરૂ થશે.આ કોસ્ટલ હાઇવેને દરિયાઈ માર્ગને સી-લિંક દ્વારા દહેજથી ભાવનગરને જોડતા સૌરાષ્ટ્ર વિસ્તારમાં જનારા લોકો ઉપરાંત માલ વાહક ભારે વાહનોની અવર-જ્વર માટેનું અંતર ઘટશે.આ સિવાય કોસ્ટલ હાઇવે ની આજુબાજુ ઉદ્યોગો અને પ્રવાસન સ્થળોનો વિકાસ થતા લોકોને રોજગારીની અનેક તકો મળશે.
આ પ્રસંગે વન વિભાગ અને સામાજિક વનીકરણ ના અધિકારીઓ ,ઓલપાડ તા.પં. પ્રમુખ નીતાબેન પટેલ,ઉપપ્રમુખ કિરણ પટેલ, ભાજપ પ્રમુખ કુલદીપસિંહ, માજી પ્રમુખ બ્રિજેશ પટેલ ઓલપાડ ભાજપ મહામંત્રી સુનિલ પટેલ,રાજ પટેલ ઓલપાડ ગામ પંચાયત સરપંચ રુચિકાબેન પટેલ,ડે.સરપંચ આનંદ કહાર ,જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ ગામના સરપંચો સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતાં

