કચ્છમાં ઈ. 2001ના 7.6 ની તીવ્રતાના અને હજારોના મોત નીપજાવી અસંખ્ય ઈમારતોને જમીનદોસ્ત કરનાર મહાવિનાશક ભૂકંપની તિથિ 26 જાન્યુઆરીને બરાબર એક મહિનાની વાર છે ત્યાં આજે કચ્છમાં લાંબા સમય બાદ રાપર પાસે 4.6 ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધણધણી ઉઠી હતી. આ ભૂકંપ બાાદ બપોર સુધીમાં વધુ બે આફ્ટરશોક જેવા ભૂકંપો રાપર પંથકમાં એ જ વિસ્તારમાં નોંધાયા છે.

આ ભૂકંપ ગુજરાતના આઈ.એસ.આર. તેમજ કેન્દ્રના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી બન્નેમાં નોંધાયેલ છે. સૂત્રો અનુસાર આજે તા. 26-12-2025ના પરોઢીયે 4.30 વાગ્યે રાપરથી 22 કિ.મી.દૂર, જેસડા ગામ પછી કચ્છના રણના સરોવર પાસે 23.662 ડીગ્રી અક્ષાંસ અને 70.453 રેખાંશ ઉપર જમીનથી માત્ર 5.2 કિ.ની ઉંડાઈએ છીછરી સપાટી પર આ તીવ્ર ભૂકંપ ઉદભવ્યો હતો. 4.6 મેગ્નિટયુડના આ ભૂકંપ બાદ સવારે 8.02 વાગ્યે એ જ વિસ્તારમાં પણ 11.1 કિ.મી. ઉંડાઈએ 2.5 અને ત્યારબાદ સવારે 11.19 વાગ્યે ફરી ઉપરોક્ત કેન્દ્રબિંદુથી 4 કિ.મી.ના અંતરે પણ જમીનથી 26.9 કિ.મી. ઉંડાઈએ 3.0 નો ભૂકંપ ઉદ્ભવ્યો હતો. ભૂકંપના ઈન્ટેન્સિટી મેપ મૂજબ તેના કંપનો સમગ્ર કચ્છ જિલ્લા ઉપરાંત મોરબી, ટંકારા, રાજકોટ, અને ઉત્તર ગુજરાતમાં થરાદ, સુરેન્દ્રનગર જિલ્લા સહિત દૂર દૂર સુધી પહોંચ્યા હતા. કંપન અનુભવનાર લોકો ભરનિદ્રામાંથી જાગી ગયા હતા. જો કે જાનહાનિ કે નુક્શાનના અહેવાલો નથી.
ચાલુ ડિસેમ્બર માસમાં જ કચ્છમાં 2.5થી વધુ તીવ્રતાના 4 ભૂકંપો ભચાઉ,રાપર, ધોળાવીરા, ગઢશીશા સહિત વિસ્તારોમાં નોંધાયા છે. પરંતુ, આટલી તીવ્રતાનો ભૂકંપ કચ્છમાં છેલ્લે સાડા 5 વર્ષ પહેલા તા.15-6-2020 ના ભચાઉ પંથકમાં નોંધાયો હતો. જ્યારે સમગ્ર ગુજરાતમાં આથી વધુ તીવ્રતા 4.8 નો ધરતીકંપ રાજકોટ પાસે તા. 16-7-2020ના નોંધાયો હતો.
કચ્છમાં વારંવાર તીવ્ર ભૂકંપો આવવાનું કારણ
ભૂકંપ આવવાની દેશમાં સર્વાધિક શક્યતા (જોખમ) ધરાવતો કચ્છ જિલ્લો ઝોન-5માં આવે છે જ્યાં ઈ.સ. 1819માં 7.7 થી વધુ તીવ્રતાનો અને તા. 26-1-2001 ના 7.6 ની તીવ્રતાનો મહાવિનાશક ભૂકંપ બાદ તે વખતે જ 107 તો તીવ્ર આફ્ટરશોક નોંધાયા હતા. તેનું કારણ છે કચ્છનું ભૌગોલિક સ્થાન જે ઈન્ટ્રાપ્લેટ સીસ્મીક ઝોનમાં આવે છે. એટલે કે ભારતીય પ્લેટ (પૃથ્વીના પોપડાનો ભાગ)ની હદથી માત્ર 300-400 કિ.મી.ના અંતરે છે અને ભારતીય પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે સતત ઘસાતી હોય છે જે ભૂકંપ સર્જે છે.
જુરાસિકના સમયમાં પૃથ્વીમાં પોપડામાં જે ભંગાણપડયું તેનાથી સર્જાયેલ કચ્છ રિફ્ટ બેઝીન (કેઆરબી) ઉપર કચ્છ આવેલ છે. આ જિલ્લાના પેટાળમાં કચ્છ મેનલેન્ડ, સાઉથ વાગડ, કેટ્રોલ હિલ, અલ્લાહ બુંડ, ગેડી અને આઈલેન્ડ બેલ્ટ નામની અર્ધોડઝન એક્ટીવ ફોલ્ટ આવેલા છે. આ ફોલ્ટ્સ પૂર્વ-પશ્ચિમ દિશાના છે.

