કરમસદ-આણંદ મહાનગરપાલિકાના પાદરિયા વિસ્તારમાં ઉભરાતી ગટરના પ્રશ્નો મુદ્દે મનપા કચેરીમાં નાગરિકોએ ગંદા પાણીની બોટલો ઓફિસમાં ઢોળીને સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. મહિલાઓએ કર્મચારીઓને ‘બંગડીઓ પહેરી લો’ કહી આક્રોશ વ્યક્ત કરતા શાબ્દિક ઘર્ષણ થયું હતું. તેમજ આગામી સોમવાર સુધી નિવેડો નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ હતી.

કરમસદ-આણંદ મનપાના ડેપ્યુટી કમિશનરને આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, કરમસદ આણંદ મહાનગરપાલકિાના પાદરિયા વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટી અને નીલગીરી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટર વારંવાર ભરાઈ જાય છે. જે મામલે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. સ્થાનિકો દ્વારા જણાવાયું હતું કે, વર્ષો પહેલા આ વિસ્તારમાં નવી ગટર લાઇન નાખવામાં આવી હતી, પરંતુ યોગ્ય સર્વે વગર અને આયોજનના અભાવમાં બનાવવામાં આવી હતી. પરણિામે, આજ સુધી ગટરનું પાણી વારંવાર ઉભરાઈ જાય છે અને આખો વિસ્તાર દુર્ગંધ અને ગંદા પાણીથી પરેશાન રહે છે અને રોગચાળાનો ભીતિ સેવાઈ રહી છે. આ આવેદનમાં માંગ કરવામાં આવી હતી કે, આશીર્વાદ સોસાયટી અને નીલગીરી સોસાયટીની સમગ્ર ગટર લાઈનનો તાત્કાલકિ સર્વે કરવામાં આવે, જ્યાં જરૂરી હોય ત્યાં નવી ગટર લાઇનનું યોગ્ય આયોજન કરીને પુનઃનિમાણ કરાવવામાં આવે, પાણીના ઉભરાવાનું સમસ્યાનું કાયમી નિવારણ લાવવામાં આવે અને સ્વચ્છતા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે.
- નવી લાઈનો નાખવાનું કામ ચાલું છે : એન્જિનિયર
મનપાના ગટર વિભાગના એન્જિનિયર જુગલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં જીયુડીસીની પાઇપલાઇનના કામમાં લેવલ ડિફરન્સ હોવાથી હાલ સમસ્યા સર્જાઈ રહી છે. જેથી લેવલ મુજબ નવી પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે અને સમસ્યાનો વહેલી તકે ઉકેલ પણ આવી જશે.
કર્મચારીઓના ઉદ્ધત વર્તનથી મહિલાઓ રણચંડી બની
ગટર સમસ્યાની રજૂઆત કરવા ગયેલા નગરજનો સાથે મનપાના કર્મચારીઓએ ઉદ્ધત વર્તન કરતા મહિલાઓએ આક્રોેશ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો અને ગટરના ગંદા પાણીની બોટલોને મનપાની ઓફિસમાં રેડીને સૂત્રોચાર કર્યા હતા. તેમજ કર્મચારીઓને ‘બંગડીઓ પહેરી લો’ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

