કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગ્રામીણ રોજગારીની જીવાદોરી સમાન ‘મનરેગા’ યોજનાને નબળી પાડવાના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાજ્યવ્યાપી આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવાયું હતું કે, બજેટમાં કાપ અને વેતનમાં વિલંબ દ્વારા ગરીબોના કામના અધિકારને છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

નરેન્દ્ર રાવતે વધુમાં જણાવ્યું હતું કે, મનરેગા એ શ્રમિકો અને આદિવાસી સમુદાયનો કાનૂની અધિકાર છે, જે હાલ માત્ર કાગળ પર રહી ગયો છે. કોંગ્રેસ હવે પંચાયતથી લઈને રાજ્ય સ્તર સુધી આ લડતને તેજ બનાવશે. પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી અને નાઝુ ફડવાલા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો ગ્રામીણ વિસ્તારોમાં ૧૦૦ દિવસના કામની ખાતરી અને સમયસર વેતન નહીં મળે તો આ આંદોલન દિલ્હી સુધી ગજવવામાં આવશે. સરકારની શ્રમિક વિરોધી નીતિઓ સામે હવે કોંગ્રેસ જમીનસ્તર પર ઉતરી જનતાનો અવાજ બુલંદ કરશે.
