કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનના આકારણી માટે સરકારના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે જાહેર રજાના દિવસે પણ તંત્ર પાક નુકસાનીના સર્વેની કામગીરીમાં વ્યસ્ત રહ્યું હતું.

ખેડા જિલ્લાના તમામ તાલુકામાં હાલ પાક નુકસાની સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૧૭૦૦૦ હેક્ટરમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. ખેતીવાડી વિભાગના અધિકારી અને કર્મચારીઓ રોજકામ સાથે સર્વે પૂર્ણ કરવા લાગી ગયા છે. પાક નુકસાનની ગંભીર સ્થિતિનો તાગ મેળવવા માટે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ગંભીરતાથી લઈ અધિકારીઓને સતત પાક નુકસાનીના સર્વે ઝડપથી પૂરા કરવા અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. ખેતીવાડી વિભાગના કર્મચારીઓએ સર્વે દરમિયાન ખેડૂતોને મળી તેમની સમસ્યાઓની માહિતી મેળવી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી આર. ડી. પટેલે જણાવ્યું હતું કે, પાકની હાલની સ્થિતિનું મૂલ્યાંકન કરીને સંબંધિત માહિતી તાત્કાલિક રીતે રાજ્ય સરકારને અહેવાલ સ્વરૂપે મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા ખેડૂતોને શક્ય સહાય અને રાહત પૂરી પાડવા માટે જરૂરી પ્રક્રિયા તાત્કાલિક રીતે શરૂ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ખેડૂતોને આ સર્વે પ્રક્રિયામાં સહયોગ આપવા માટે પણ અનુરોધ કરાયો છે.

