GUJARAT : ખેડાના વેરહાઉસમાંથી એપલ કંપનીની રૂપિયા 2.23 કરોડની પ્રોડક્ટ્સ ભરેલું કન્ટેનર લઈ ડ્રાઈવર રફૂચક્કર

0
50
meetarticle

 ખેડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક વેરહાઉસ ખાતેથી કંપનીના ડ્રાઈવરે જ કરોડો રૂપિયાની કિંમતના વિદેશી બ્રાન્ડના મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ચોરી કરતા સનસની ફેલાઈ ગઈ છે. ડ્રાઈવર ૨.૨૩ કરોડ રૂપિયાનો માલ ભરેલું કન્ટેનર લઈને ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે બાદમાં આ કન્ટેનર બિનવારસી હાલતમાં શોધી કાઢયું હતું, પરંતુ તેમાંથી કરોડોનો માલ ગાયબ હતો.મુંબઈની કીન્ટેસુ વર્લ્ડ એક્સપ્રેસ (ઇન્ડિયા) પ્રા.લિ. ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા આઈફોન, આઈપેડ, એરપોડ્સ સહિતની કુલ રૂા. ૨,૨૩,૪૮,૫૭૪ની કિંમતની એપલ કંપનીની પ્રોડક્ટ્સ એક કન્ટેનરમાં ભરીને મુંબઈથી ખેડાના વેરહાઉસ સુધી લાવવામાં આવી હતી. આ કન્ટેનર સાથે કંપનીની એસ્કોર્ટ સિક્યોરિટી ટીમ પણ હાજર હતી. તમામ માલસામાન વેરહાઉસમાં સલામત પહોંચી ગયો હતો. ત્યારે તા. ૨૭ ઓક્ટોમ્બરની મોડી રાત્રે કન્ટેનરના ડ્રાઈવર વસીમખાન જશમત દ્વારા એક તરકીબ અજમાવવામાં આવી હતી. તેણે સિક્યોરિટી ગાર્ડ્સને ‘હું જમવાનું લઈને આવું છું’ તેમ કહીને કન્ટેનર ગાડીને વેરહાઉસના ગેટ બહાર કાઢી હતી. જોકે, ત્યારબાદ ડ્રાઈવર વેરહાઉસના ગેટ પરથી ગાડી લઈને ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બનતા જ સિક્યોરિટી ગાર્ડ્સે તાત્કાલિક કંપનીના ઉચ્ચ અધિકારીઓને આ અંગેની જાણ કરી હતી. કંપનીના અધિકારીઓએ જીપીએસ ચેક કરતાં જાણવા મળ્યું કે તા. ૨૭ ઓક્ટોમ્બરના રોજ સવારના ૯.૩૮ વાગ્યાની આસપાસ ડ્રાઈવરનું જીપીએસ લોકેશન બંધ થઈ ગયું હતું. બાદમાં જીપીએસ ટ્રેકિંગના આધારે આ બિનવારસી કન્ટેનર ગાડી ખેડા તાલુકાના હરિયાળા ગામ પાસેથી મળી આવી હતી.
કંપનીના અધિકારીઓએ તા. ૨૮ના રોજ કન્ટેનરને ખેડા વેરહાઉસ પર લાવીને તેનું સીલ તોડીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી એપલ કંપનીની કુલ ૩૯૭ યુનિટ પ્રોડક્ટ્સ જેમાં મુખ્યત્વે આઈફોન, આઈપેડ અને એરપોર્ડ્સ ગાયબ જણાયા હતા. ચોરાયેલા આ માલની કુલ કિંમત રૂા. ૨.૨૩ કરોડ આંકવામાં આવી છે. આ બનાવ અંગે કંપનીના અધિકારી રજનીશ કૌશિક ચંદ્રપ્રકાશ શર્માએ ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડ્રાઇવર વસીમખાન જશમત વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી ડ્રાઈવરને પકડવા અને ચોરાયેલો કરોડોનો માલસામાન જપ્ત કરવા માટે ખેડા પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here