ગાંધીનગર શહેરમાં જુના સેક્ટરોમાં ટાઈફોડનો રોગચાળો ફાટી નીકળ્યા બાદ હવે સ્થિતિ થાળે પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. આજે કોર્પોરેશનના ચોપડે ૧૪ દિવસ બાદ સિંગલ ડીઝીટમાં એટલે કે ફક્ત નવા સાત કેસ નોંધાયા છે ત્યારે ૨૦ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નવો કોઈ પાણીનો લીકેજ તંત્રને આજે મળી આવ્યો ન હતો.

ગાંધીનગર શહેરના જુના સેક્ટરોમાં ગત ૨૯ ડિસેમ્બરથી ટાઈફોડના કેસ આવવાના શરૃ થયાં હતાં અને ધીરે ધીરે આ રોગચાળો હોવાનું માલુમ પડયું હતું. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ૨૦૦થી વધુ દર્દીઓ દાખલ થયા હતા અને જેના કારણે કોર્પોરેશન સહિત તમામ તંત્ર કામે લાગી ગયા હતા.જોકે ૧૪ દિવસ બાદ હવે આ ટાઈફોડનો રોગચાળો થાળે પડતો હોય તેમ લાગી રહ્યું છે. હાલ નવા સાત જેટલા દર્દીઓ નોંધાયા હોવાનું કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે ૨૦ દર્દીઓને હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી હતી ત્યારે ૫૭ દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સેક્ટર ૨૪ અને સેક્ટર ૨૯ના અર્બન હેલ્થ સેન્ટર સાથે કુલ ૮૫ જેટલી ટીમો હજી પણ અસરગ્રસ્ત વિસ્તારમાં કાર્યરત છે અને અત્યાર સુધીમાં ૯૦,૮૪૧ જેટલા ઘરોમાં તપાસ કરી દેવામાં આવી છે. આજે એક જ દિવસમાં ૭,૯૮૨ ઘરોમાં તપાસ કરવામાં આવી હતી. જોકે આજે તંત્રની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીની લાઈનની તપાસ કરવામાં આવી હતી અને નવો કોઈ લીકેજ મળી આવ્યો નથી. તેમ છતાં તકેદારીના ભાગરૃપે કોર્પોરેશન તંત્ર દ્વારા આ વિસ્તારના નાગરિકોને પાણી ઉકાળીને પીવા માટે સલાહ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં બહારનો ખોરાક ન ખાવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. હજી પણ ખાણીપીણીની લારીઓ ઉપર તવાઈ ચાલુ રાખવામાં આવી છે.

