રાજ્યમાં વર્તાઈ રહેલી એલપીજી ગેસની કટોકટી હવે સચિવાલય અને વિધાનસભા સુધી પહોંચી ગઈ છે. ગુજરાત વિધાનસભાની સુરક્ષામાં તહેનાત પોલીસ જવાનો માટેના ભોજનાલયમાં છેલ્લા પાંચ દિવસથી ગેસ સિલિન્ડર ન હોવાને કારણે લાકડાં અને ચૂલા પર રસોઈ બનાવવાની નોબત આવી છે. સરકારના પૂરતા પુરવઠાના દાવાઓ વચ્ચે આ ઘટનાએ વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કર્યાં છે.

સચિવાલયમાં ચૂલા યુગની વાપસી!
મળતી માહિતી અનુસાર, સચિવાલય પરિસરમાં સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલા આશરે 150થી 200 જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓ માટે ભોજન તૈયાર કરતા કેટરિંગ યુનિટની હાલત કફોડી બની છે. છેલ્લા પાંચ દિવસથી ગેસની સપ્લાય ખોરવાતા કેટરિંગ સંચાલકોએ લાકડાં મંગાવીને કામચલાઉ ચૂલા પર રસોઈ શરૂ કરી છે. લાકડાં પર રસોઈ બનાવવામાં વધુ સમય લાગતો હોવાથી પોલીસ જવાનોને સમયસર ભોજન મળવામાં મુશ્કેલી પડી રહી છે. ખુલ્લામાં અને ધુમાડા વચ્ચે ભોજન બનતું હોવાથી તેની ગુણવત્તા પર પણ અસર પડી રહી છે.
સરકારી દાવા અને વાસ્તવિકતા વચ્ચે તફાવત
ચોંકાવનારી બાબત એ છે કે, હજુ ગઈકાલે જ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે ‘રાજ્યમાં 16થી 18 દિવસ ચાલે તેટલો એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે.’ જો રાજ્યના હૃદય સમાન સચિવાલયમાં જ પોલીસના ભોજન માટે ગેસ ન મળતો હોય, તો સામાન્ય જનતાની હાલત કેવી હશે તે ચર્ચાનો વિષય બન્યો છે.
કેટરિંગ સર્વિસના સંચાલકોના જણાવ્યાનુસાર,, ગેસ સપ્લાય માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. સવારે વહેલા રસોઈ શરૂ કરવી પડે છે અને ધુમાડાને કારણે રસોઈયાઓને પણ સ્વાસ્થ્યની સમસ્યાઓ નડી રહી છે.
જનતામાં પણ ભારે હાલાકી
માત્ર સચિવાલય જ નહીં, રાજ્યભરની ગેસ એજન્સીઓ પર સિલિન્ડર માટે લાંબી કતારો જોવા મળી રહી છે. આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવવો જરૂરી છે, જેથી સામાન્ય લોકો તેમજ ભોજનાલયોને પડતી મુશ્કેલીઓનો અંત આવી શકે.
