GUJARAT : ગુજરાતના રાજકારણમાં મોટો ઉલટફેર: મહેશ વસાવાએ કેસરીયો ત્યાગી પંજો પકડ્યો, ‘આપ’ને ભાજપની ‘B-ટીમ’ ગણાવી આક્રમક પ્રહાર કર્યા

0
32
meetarticle

ગુજરાતના આદિવાસી બેલ્ટના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફારોના સંકેત મળ્યા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના રાષ્ટ્રીય પ્રમુખ અને દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ભાજપમાંથી નવ મહિના પહેલા રાજીનામું આપ્યા બાદ, તેમણે કોંગ્રેસની વિચારધારા સાથે ચાલવાનો નિર્ણય લેતા આદિવાસી પટ્ટાના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે.


​ કોંગ્રેસમાં જોડાતાની સાથે જ મહેશ વસાવાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ સામે હવે જળ, જંગલ અને જમીનની લડત કોંગ્રેસ સાથે મળીને લડાશે. તેમણે વધુમાં સનસનીખેજ આક્ષેપ કર્યો હતો કે ‘આમ આદમી પાર્ટી’ એ ભાજપની ‘બી-ટીમ’ છે અને તે માત્ર કોંગ્રેસના મતો તોડવાનું કામ કરે છે. બીટીપીના સ્થાપક છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સમાજના કચડાયેલા વર્ગનો અવાજ બનવા માટે કોંગ્રેસમાં પરત ફર્યા છે.
​ મહેશ વસાવાના કોંગ્રેસ પ્રવેશથી દેડિયાપાડા વિધાનસભા બેઠક પર નવા સમીકરણો રચાયા છે. કોંગ્રેસના મજબૂત નેતા અમરસિંહ વસાવાના નિધન બાદ ખાલી પડેલી જગ્યામાં હવે મહેશ વસાવા પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. અહીં તેમનો સીધો મુકાબલો તેમના જ ભૂતપૂર્વ શિષ્ય અને હાલના ‘આપ’ ના નેતા ચૈતર વસાવા સામે થવાની શક્યતા છે. બીજી તરફ, ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આ નિર્ણયને આવકારી તેમને ઝઘડિયા બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું હતું. મહેશ વસાવાના આ પક્ષ પલટાથી આગામી ચૂંટણીઓમાં આદિવાસી મતોનું ધ્રુવીકરણ કઈ તરફ જશે તેના પર સૌની મીટ મંડાણી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here