પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજની અંગ્રેજી વિષયની ભૂતપૂર્વ વિદ્યાર્થિની, લેખિકા તથા જાણીતા મોટીવેશનલ સ્પીકર શ્રીમતી ભાવનાબેન ઓડેદરાએ તાજેતરમાં પોતે રચેલું પ્રેરણાત્મક પુસ્તક “ટ્રાન્સફોર્મ યોર લાઈફ” ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ખાતે ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા તથા શિક્ષણપ્રેમી ડો. વિરમભાઈ રાજાભાઈ ગોઢાણીયાને અર્પણ કર્યું હતું. આ અવસરે લેખિકાનું ઉષ્માભેર વસ્ત્રાભિવાદન કરવામાં આવ્યું હતું. પુસ્તકને આવકારતા ડો. વિરમભાઈ ગોઢાણીયાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં સંસ્કારી સાહિત્યની અત્યંત જરૂરિયાત છે. યુવા પેઢી તરફથી આવું મૂલ્યનિષ્ઠ અને શિષ્ટ સાહિત્ય પ્રાપ્ત થવું સમાજ માટે આશાસ્પદ સંકેત છે. દેશમાં સકારાત્મક પરિવર્તન શિષ્ટ અને સંસ્કારી સાહિત્યના માધ્યમથી જ શક્ય બને છે તેમ જણાવી તેમણે લેખિકાને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેક્ટર તથા જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરલાલ ભરડાએ જણાવ્યું હતું કે, ટીવી, ઇન્ટરનેટ, મોબાઈલ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર વધતા આધારથી યુવા પેઢી સત્વહીન બની રહી છે. ત્યારે યુવાનો દ્વારા સર્જાયેલું સત્વશીલ, મૂલ્યનિષ્ઠ સાહિત્ય તંદુરસ્ત સમાજના વિકાસ માટે ઉત્તમ સંકેત છે.
અભિવાદન સ્વીકારતાં લેખિકા ભાવનાબેન ઓડેદરાએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, ગોઢાણીયા મહિલા કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થિની તરીકે આજે મને જે પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યું છે તે મારા માટે ગૌરવની બાબત છે. મારી સાહિત્ય સર્જન યાત્રાની પ્રેરણા આ કોલેજમાંથી જ મળી હોવાનું તેમણે ભાવપૂર્વક વ્યક્ત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બગવદર ખાતે તબીબી સેવા આપતા ડો. કેશુભાઈ મોઢવાડિયા તેમની જીવનસાથી લેખિકા ભાવનાબેન ઓડેદરાને સતત પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. ભાવનાબેનએ ગોઢાણીયા મહિલા કોલેજમાંથી અંગ્રેજીમાં બી.એ. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે તથા હાલમાં ગોઢાણીયા યોગા કોલેજમાં ડિપ્લોમા ઇન યોગાનો અભ્યાસ કરી રહ્યા છે. તેમની સાહિત્ય સર્જન યાત્રાનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થવું ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ પરિવાર માટે ગૌરવની બાબત બની છે.

લેખિકા ભાવનાબેન ઓડેદરાનું પુસ્તક “ટ્રાન્સફોર્મ યોર લાઈફ” તાજેતરમાં રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વિમોચિત કરવામાં આવ્યું હતું. ભાવનાબેન સ્પિરિચ્યુઅલ અવેકનિંગ, પાવરફુલ મોર્નિંગ રિચ્યુઅલ્સ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, ડિજિટલ અને મેન્ટલ ડિટોક્સ, વિઝન બોર્ડ મેકિંગ, કાઉન્સેલિંગ, ઇમોશનલ માસ્ટરી, મની માઇન્ડસેટ, મેનિફેસ્ટેશન, હો’ઓપો’નોપો હીલિંગ તથા સર્ટિફાઇડ EFT ટેપિંગ જેવા વિષયો પર મોટીવેશનલ સ્પીચ આપી ચૂક્યા છે.આ પુસ્તક યુવા પેઢી માટે માર્ગદર્શક રૂપે કાર્ય કરે છે. આજની મોબાઈલ અને સોશિયલ મીડિયા આધારિત જીવનશૈલીમાંથી ઉપર ઉઠી જીવનમાં આગળ વધવા માટે સકારાત્મક વિચારધારા પ્રેરિત કરે છે. વ્યક્તિને આત્મપરીક્ષણ કરી જીવનના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માર્ગદર્શન પૂરું પાડે છે.
આ પ્રસંગે ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. કેતનભાઈ શાહ, બી.એસ.ડબલ્યુ. તથા એમ.એસ.ડબલ્યુ. કોલેજના ડાયરેક્ટર રણમલભાઈ કારાવદરા, બી.બી.એ. કોલેજના ડાયરેક્ટર ચિત્રાબેન જુંગી, અંગ્રેજી વિષયના પ્રોફેસર ડો. સુલભાબેન દેવપુરકર, ટ્રસ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી, તબીબી ડો. કેશુભાઈ મોઢવાડિયા, યોગાચાર્ય જીવાભાઈ ખૂંટી, પ્રોફેસર ડો. જયશ્રીબેન પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગોઢાણીયા મહિલા કોલેજની ભૂતપૂર્વ દીકરી લેખિકા ભાવનાબેન ઓડેદરાએ હકારાત્મક અભિગમ દર્શાવતું પુસ્તક પ્રકાશિત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હોવાનું જણાવતાં ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા, ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા, શ્રીમતી શાંતાબેન ઓડેદરા, શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા સહિતના ટ્રસ્ટીગણે અભિનંદન સાથે ઉતરોતર પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી.
REPORTER : વિરમભાઈ કે. આગઠ

