GUJARAT : છોટા ઉદેપુરમાં બોર્ડની પરીક્ષા વચ્ચે વિવાદ, આચાર્ય અને ડેપો મેનેજર વચ્ચે બસ મુદ્દે માથાકૂટ

0
18
meetarticle

છોટા ઉદેપુર જિલ્લાના સાત તાલુકાઓમાં આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જિલ્લાના વિવિધ કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, પરીક્ષાના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડવા માટે બસની વ્યવસ્થા બાબતે વિવાદ સર્જાયો હતો.

જિલ્લાના પરીક્ષાના આંકડા એક નજરે

છોટા ઉદેપુર, નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, પાવીજેતપુર અને કદવાલ એમ સાત તાલુકાઓમાં કુલ 23,632 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે જિલ્લામાં ધોરણ 10ના 13,743 વિદ્યાર્થીઓ માટે 17 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જ્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહ 8,611 વિદ્યાર્થીઓ માટે 11 કેન્દ્રો છે અને વિજ્ઞાન પ્રવાહ 1278 વિદ્યાર્થીઓ છે. જેમાં 1201 કર્મચારીઓ ફરજ બજાવશે. 

આચાર્ય અને ડેપો મેનેજર સામસામે

પરીક્ષાના પહેલા દિવસે જ પુનિયાવાંટ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે એસ.ટી. બસની ફાળવણી મુદ્દે વિવાદ થયો હતો. નિવાસી શાળાની 58 બાળકીઓને પરીક્ષા આપવા છોટાઉદેપુર જવાનું હતું, પરંતુ એસ.ટી. તંત્ર દ્વારા માત્ર 32 સીટની નાની બસ મોકલવામાં આવી હતી. શાળાના આચાર્ય જ્યારે આ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે ડેપો મેનેજરે ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હતો. ડેપો મેનેજરે નફ્ફટાઈપૂર્વક જણાવ્યું કે, અગાઉ પણ વિદ્યાર્થીઓ આ જ રીતે નાની બસમાં ‘મેનેજ’ થતા હતા, તો આજે પણ 58 વિદ્યાર્થીઓએ 32 સીટની બસમાં જ મેનેજ થવું જોઈએ.

અંતે આચાર્યએ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે હેતુથી અન્ય ખાનગી વ્યવસ્થા કરીને તમામ વિદ્યાર્થીનીઓને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડ્યા હતા. એક તરફ સરકાર બોર્ડના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ જવાબદાર અધિકારીઓના આવા નકારાત્મક વલણ સામે વાલીઓ અને શૈક્ષણિક આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here