છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી આજે ગંભીર સંકટમાં છે.
જિલ્લાની આગવી ઓળખ અને સરકારી આવકનો મુખ્ય સ્ત્રોત ગણાતી સોના સરીખી સફેદ રેતીની બેફામ અને બેરોકટોક લૂંટ ચાલી રહી છે, અને રેતી માફિયાઓ માટે હાલ લીલાલહેર નું વાતાવરણ છે.
છોટાઉદેપુરના સુસ્કાલ, કુકણા અને જબુગામ વિસ્તારમાંથી રાત-દિવસ મોટાપાયે બેનંબરી રેત ખનન થઈ રહ્યું છે. માફિયાઓ કોઈનો પણ ડર રાખ્યા વિના, ખુલ્લેઆમ ઓરસંગ નદીને ઉલેચી રહ્યા છે.જેના વાઇરલ વિડિઓ હાલ છોટાઉદેપુર પંથક માં ધૂમ મચાવે છે.
ત્યારે
સૌથી મોટો સવાલ એ છે કે, જ્યારે સરકાર સતત ‘સબ સલામત’ની વાતો કરી રહી છે, ત્યારે આ લૂંટ કેમ અટકતી નથી?


- ખાન અને ખનીજ ખાતા દ્વારા હજુ સુધી કોઈ સર્વે કે રેતી લીઝના હદ નિશાન કેમ નથી મરાયા?
- તંત્રની આંખ સામે જ, નિયમોનું ઉલ્લંઘન કરીને, હદ બહારનું ખનન કોના આશીર્વાદથી ચાલી રહ્યું છે?
- સરકારના નિયમ મુજબ, તમામ હિટાચી, જેસીબી અને ટ્રકો પર GPS સિસ્ટમ ફરજિયાત છે અને તેનું મોનીટરીંગ થવું જોઈએ. તો પછી આ GPS સિસ્ટમ હોવા છતાં રેતી માફિયાઓ તંત્રની આંખમાં ધૂળ નાખીને કેવી રીતે ભાગી છૂટે છે? શું તંત્ર પોતે જ આંખ આડા કાન કરીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને આશીર્વાદ આપી રહ્યું છે?
પ્રશ્ન એ છે કે, શું આ રેત માફિયાઓનો દબદબો એટલો મોટો છે કે સરકારી બાબુઓ પણ આ રેતીની ચોરી રોકવા માટે અસમર્થ છે? શું ઓરસંગ નદી આ માફિયાઓના બાપનો બગીચો છે કે જ્યાં મનફાવે તેમ ખોદકામ કરી શકાય? - આ બેફામ ખનનના પરિણામો છોટાઉદેપુર જિલ્લાના વિકાસ અને જનજીવન પર ઘેરી અસર કરી રહ્યા છે:
ઊંડા ખોદકામને કારણે પડેલા ખાડાઓમાં ગત વર્ષોમાં અનેક લોકોએ ડૂબી જવાથી જીવ ગુમાવ્યા છે.
રેતીની ઓવરલોડ ગાડીઓને લીધે જિલ્લાના તમામ બ્રિજ અને રસ્તાઓ ખડખડધજ બની ગયા છે, જેનાથી યાતાયાત અને વેપાર-ધંધાને પારાવાર નુકશાન પહોંચ્યું છે.
પાણીના સ્તર ઊંડા જતાં ખેડૂતો પાયમાલ બન્યા છે. જબુગામના ખેડૂતોને પાણીના ભાવે કેળાનો તૈયાર પાક વેચવાનો વારો આવ્યો છે.
પાવી જેતપુર જેવા વિકસિત નગરના વિકાસની ગતિ મંદ પડી છે.
જનતાની વારંવારની રજૂઆતો, ફરિયાદો અને આંદોલનો બાદ પણ સ્થિતિ બદથી બદતર બની રહી છે. ત્યારે આ તમામ સમસ્યાનું મૂળ એક જ છે – ઓરસંગ નદીનું આડેધડ, અનિયમિત અને બેફામ રેત ખનન.
આટલા વિરોધ પ્રદર્શનો અને ફરિયાદો છતાં સ્થિતિ ન બદલાય, તો વાંક કોનો? આ સંજોગોમાં, છોટાઉદેપુરની જનતાના મનમાં અનેક સવાલો છે: કે
- શું સરકારી બાબુઓની આંખ ખુલશે ખરી?
- શું આ રેત માફિયાઓ પર ક્યારેય નિયંત્રણ આવશે ખરું?
- શું ઓરસંગ નદી ફરીથી એના મૂળ સ્વરૂપમાં જોવા મળશે ખરી?
અંતે એક જ સવાલ: શું આ ગેરકાયદેસર રેત ચોરીની પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી થશે કે પછી દરેક વારની જેમ આ વખતે પણ વાત અહીંયા જ પૂરી થઈ જશે?
વિચારવાનું છોટાઉદેપુર જિલ્લાની જનતાએ છે. મારા, તમારા અને આપણા જેવા જાગૃત નાગરિકોએ છે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

