વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી ‘PM સ્વનિધિ યોજના’ને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં જંબુસર નગરપાલિકાએ સમગ્ર રાજ્યમાં ડંકો વગાડ્યો છે. ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય ‘સ્વનિધિ સમારોહ’માં જંબુસર નગરપાલિકાને ‘બેસ્ટ પર્ફોર્મન્સ ULB’ (અર્બન લોકલ બોડી) નો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયક, રેશ્માબેન પટેલ અને ચાર્મીબેન ભટ્ટને મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ જંબુસર પાલિકાએ ફેરિયાઓ અને નાના વેપારીઓને આર્થિક રીતે સદ્ધર કરવા કરેલી કામગીરીને રાજ્ય સ્તરે બિરદાવવામાં આવી હતી. ‘સ્વનિધિ સે સમૃદ્ધિ’ના મંત્રને સાર્થક કરતી આ સિદ્ધિ બદલ જંબુસર નગરપાલિકાના તમામ કર્મચારીઓ અને નગરજનોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
