ગુજરાત રાજ્યના ચૂંટણી પંચના આદેશ મુજબ જામનગર જિલ્લામાં પણ હાલમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી ચાલી રહી છે. જેમાં જામનગર શહેર અને જિલ્લાની વિવિધ શાળાઓના શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા છે. એવામાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં સોમવારે (24 નવેમ્બર) સવારે 79 વિધાનસભા વિસ્તારમાં ફરજ બજાવતા એક શિક્ષિકા ચાલુ કામગીરી દરમિયાન બેભાન થઈ ગયા હતા. જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, જામનગરમાં સત્યમ કોલોની પાસે 79 વિધાનસભા વિસ્તારમાં SIRની કામગીરી દરમિયાન એક મહિલા કર્મચારી બેભાન થઈ ગઈ હતી. આ મહિલા મસીતીયા વાડી શાળામાં શિક્ષિકાની ફરજ બજાવનાર હિરલ ત્રિવેદી હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેઓ બી.એલ.ઓ. (Booth Level Officer) તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમને એકાએક ચક્કર આવી જતા તે બેભાન થઈ ગયા હતા. જોકે, ઘટના બાદ તાત્કાલિક ધોરણે તેમને જામનગરની સરકારી જી. જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ, તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા તંત્ર દ્વારા બી.એલ.ઓના સ્વાસ્થ્યની તકેદારી માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલ, મહિલા બી.એલ.ઓની સ્થિતિ સ્થિર છે અને કોઈ ગંભીર બાબત સામે આવી નથી.
