બાલાસિનોરના જૂના આંટા ગામના યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો હતો અને યુવાન અને તેના પરિવારે ૧.૨૩ લાખની રકમ ગુમાવી છે. આ મામલે ઝેર ગામના દંપતી સહિત ત્રણ વ્યકિત સામે બાલાસિનોર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

તાલુકાના જૂના આંટા ગામે રહેતા કમલેશભાઇ બાદરભાઇ ચૌહાણે પોલીસમાં ખાનપુર તાલુકાના ઝેર ગામના દં૫તી કનુભાઇ કાળુભાઇ ડામોર, તેના ૫ત્ની શારદાબેન કનુભાઇ ડામોર, અરૂણા નામની યુવતી અને કાકરી મહુડી ગામનો પિન્ટુભાઇ શનાભાઇ ડામોર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તેના કાકાએ એક વર્ષ અગાઉ પિન્ટુ નામના શખ્સને લગ્નની વાત કરી હતી. ત્યાર બાદ લગ્ન નક્કી કરીને તેના ખર્ચ પેટે રૂ.૧.૬૦ લાખ અરૂણાના કથિત ફઇ-ફૂવા કનુભાઇ અને શારદાબેનને આપવાનું તેમજ લગ્નમાં ચાંદીના છડા અને મંગલસૂત્ર આપવાનું નક્કી થયું હતું. ઘરમેળે કરેલી લગ્ન વિધિમાં રૂ.એક લાખ રોકડા, રૂ.૧૭ હજારના ચાંદીના છડા અને રૂ.૬ હજારનું ચાંદીનું મંગલસૂત્ર આપ્યું હતું. લગ્નના ત્રણ-ચાર દિવસ બાદ અરૂણાને તેના પિયરપક્ષવાળા રિવાજના નામે તેડી ગયા બાદ પરત મોકલી ન હતી. દરમિયાનમાં આ દં૫તી અને શખ્સને આવી રીતે જ અન્ય એક છેતરપિંડી કરતા પોલીસે પકડયા હોવાની પણ જાણ થતા યુવાને પોલીસ મથકે જઇને આ શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાવી હતી.

