વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામના ગ્રામજનોએ આગામી ગુજરાતી ફિલ્મ ‘શક્તિ’ના રિલીઝ સામે વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ફિલ્મના પ્રસારણ પર રોક લગાવવાની માંગ કરી છે. ગ્રામજનોનો આરોપ છે કે આ ફિલ્મ વાડિયા ગામ પર આધારિત છે, જે અગાઉ દેહવેપાર માટે બદનામ થઈ ચૂક્યું છે. જોકે, હાલમાં ગામના 500થી વધુ પરિવારો ખેતી અને પશુપાલન જેવા વ્યવસાયો સાથે જોડાઈને પ્રગતિના પંથે છે. ગ્રામજનોનું કહેવું છે કે ગામના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે અને આ ફિલ્મ તેમના માનસ પર નકારાત્મક અસર કરી શકે છે. આથી, ગામની છબી ખરાબ ન થાય તે માટે ફિલ્મને રિલીઝ થતી અટકાવવી જોઈએ. વાડિયા ગામના રમેશભાઈએ જણાવ્યું હતું કે, “આ ફિલ્મ અમારી પરવાનગી વિના બનાવવામાં આવી છે અને તે અમારા ગામને બદનામ કરવાનો પ્રયાસ છે.” તેમણે જો 27 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ પર રોક નહીં લગાવવામાં આવે, તો તેઓ આંદોલન અને ભૂખ હડતાળ પર ઉતરશે. રમેશભાઈએ ચેતવણી આપી હતી કે, જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો માત્ર તેમનો સમાજ જ નહીં, પરંતુ આસપાસના 50-60 ગામોના લોકોને ભેગા કરીને મોટું આંદોલન કરવામાં આવશે.

REPORTER : પ્રધાનજી ઠાકોર

