દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે-4 પર આવેલા સાંપા ટોલ પ્લાઝા પર મુસાફરો સાથે થઈ રહેલી ગંભીર ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે. વાહનચાલકોનો આક્ષેપ છે કે છેલ્લા એક વર્ષથી આ ટોલ પ્લાઝા સિસ્ટમની ખામીના નામે તેમને ખુલ્લેઆમ લૂંટી રહ્યું છે. જ્યારે આ બાબતે ફરિયાદ કરવા માટે લોકો ટોલ પ્લાઝાની ઓફિસે પહોંચ્યા, ત્યારે ફરજ પર હાજર મુખ્ય મેનેજર પોતાની ઓફિસ છોડીને કરજણ ભાગી ગયો હતો. મુસાફરોએ જણાવ્યું કે, સાંપા ટોલ પ્લાઝા પર અનેક પ્રકારની છેતરપિંડી થઈ રહી છે. ઘણીવાર ઉતરવાના ટોલના બદલે સીધા આગળના ટોલનો ચાર્જ વસૂલવામાં આવે છે, અને કેટલીકવાર વાહન પસાર ન થયું હોય તો પણ ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે એક જ સફરમાં ડબલ ટોલ વસૂલવામાં આવે છે, અને મહિનાઓથી ઘરે પાર્ક કરેલી ગાડીઓના પણ ટોલ કપાઈ રહ્યા છે. આ બાબતે જ્યારે સ્ટાફને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે “જે ફરિયાદ કરે છે તેમને તો રિફંડ મળે છે, પરંતુ જે ફરિયાદ નથી કરતા તેમના પૈસા ગયા ગણો.” આનાથી સ્પષ્ટ થાય છે કે આ કોઈ સિસ્ટમની ખામી નથી, પરંતુ જાણી જોઈને થતી લૂંટ છે.

જ્યારે ફરજ પરના મેનેજરને ઘરે પડેલી ગાડીઓનો ટોલ કપાવા અંગે સીધો સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે જવાબ આપવાને બદલે તે પોતાની બેગ લઈને ત્યાંથી ભાગી ગયો. આ ઘટનાએ લોકોના ગુસ્સામાં વધારો કર્યો છે. લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે આ ટોલ પ્લાઝા જનતાનો ખિસ્સો કાપવાનું એટીએમ બની ગયું છે. મુસાફરોએ માંગણી કરી છે કે ગયા એક વર્ષમાં થયેલી તમામ ખોટી કપાતની સંપૂર્ણ તપાસ થવી જોઈએ, અને દરેક મુસાફરને આપોઆપ રિફંડ મળવું જોઈએ. સાથે જ, સિસ્ટમમાં સુધારો કરી ભવિષ્યમાં આવી લૂંટ ન થાય તેની ખાતરી આપવી જોઈએ, અને ભાગી ગયેલા મેનેજર સામે કડક ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. જો આ માંગણીઓ પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા

