GUJARAT : દુબઇમાં રહેતી મહિલા સહિત 3 શખ્સોની વિદેશ મોકલવાના નામે વડોદરામાં ઠગાઇ

0
49
meetarticle

યુરોપના ફિનલેન્ડની કંપનીનો વર્ક પરમિટનો બોગસ લેટર આપી વડોદરામાં કન્સલ્ટન્સી ચલાવતી મહિલાના ચાર ક્લાયન્ટો સાથે રૂ.23.22 લાખની ઠગાઇ કરનાર દુબઇમાં રહેતી એક મહિલા સહિત ત્રણ ભેજાબાજો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

સમા-સાવલીરોડ પર ગુરૂદેવ વાટીકામાં રહેતા ભાવેશ વિનોદચન્દ્ર શાહે બાપોદ પોલીસ સ્ટેશનમાં અજયસિંહ રણજીતસિંહ ઠાકોર (રહે.બંસી રેસિડેન્સી, અટલાદરા, હાલ દુબઇ), હિરલ કૌશલકુમાર જાની (રહે.મલાવાડા, તા.માતર, જિલ્લો ખેડા, હાલ દુબઇ) અને કલ્પેશસિંહ કનકસિંહ ગોહિલ (રહે.બુધેલ, ભાવનગર) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું સલાટવાડા વિસ્તારમાં સ્પેર પાર્ટસની દુકાન ધરાવું છું જ્યારે મારી પત્ની પુનમ ઉમા ચાર રસ્તા પાસેના માણકી કોમ્પ્લેક્સમાં એડયુવર્લ્ડ ઓવરસિસ નામે વિઝા કન્સલ્ટન્સીનું કામ કરે છે.

તા. 27 જુલાઇ 2024ના રોજ મારા પત્નીના વોટ્સએપ પર અજયસિંહનો ફોન આવ્યો હતો અને પોતે દુબઇથી વાત કરે છે અને કેનેડામાં રહેતા આષિત મહેતાએ રેફરન્સ આપ્યો છે તેમ કહી કેનેડાના પીઆર તેમજ વર્ક પરમિટના વિઝાનું કામ કરી આપવા વાત કરી હતી અને પોતે પણ વડોદરાનો વતની છે તેમ જણાવી મારી એબી માઇન્ડસ ડોક્યૂમેન્ટ્સ ક્લિયરિંગ સર્વિસિસ નામની ઓફિસ ભાવનગર તેમજ દુબઇમાં ચાલે છે અને યુરોપના દેશો તેમજ યુકે માટે વર્ક પરમિટનું કામ કરીએ છે તેમ જણાવ્યું હતું.

બાદમાં મારા પત્નીએ યુરોપના દેશો માટે ચાર તેમજ યુકે માટે બે ક્લાયન્ટની વર્ક પરમિટના કામ આપ્યા હતાં. અજયસિંહે પાર્ટનર કલ્પેશસિંહ ગોહિલના ભાવનગર ખાતેના એકાઉન્ટમાં થોડી રકમ જમા કરાવડાવી હતી. અને દુબઇમાં રહેતી અન્ય પાર્ટનર હિરલે થોડા દિવસો બાદ ફિનલેન્ડનો એક જોબ લેટર મોકલ્યો હતો જેથી મારી પત્નીને વિશ્વાસ બેસતા બાકીની રકમ ચૂકવવા માટે અજયસિંહને કહેતા તેણે અન્ય માણસો દ્વારા રોકડ અને આંગડિયા દ્વારા રકમ લીધી હતી. કુલ રૂ.23.22 લાખ અજયસિંહે મેળવ્યા હતા અને ફિનલેન્ડના ઓફર લેટરના આધારે મારો ક્લાયન્ટ હૈદરાબાદ વિઝા માટે ગયો ત્યારે વિઝા ઓફિસમાંથી કહ્યું અહી વર્ક પરમિટના વિઝા એપ્લાય નહી થાય ફક્ત શોર્ટ ટર્મના વિઝાની અરજી સ્વિકારાય છે તેવો જવાબ મળ્યો  હતો. બાદમાં જાણ થઇ હતી કે જોબ ઓફર લેટર બનાવટી છે. અજયસિંહે છેતરપિંડી કરી હોવાનું જણાતા તેની પાસેથી પૈસા પરત માંગતા તેઓ ગલ્લા તલ્લા કરતા હતાં.

ભોગ બનનારના નામો – કેતુલ વિષ્ણુ દલવાડી (રહે.મોટી બ્રહ્મપોળ, ચાલવી બજાર, પેટલાદ, હાલ સિંગાપુર) – ભાવિન પ્રવિણ પાડલીયા (રહે.રામવાડી, તા.જામજોધપુર, જામનગર, હાલ દુબઇ) – પ્રશાંત રોહિત ચૌહાણ (રહે.માધવ રો હાઉસ, અડાજણ, સુરત, હાલ પોલેન્ડ) – ગૌરાંગ અશોક પારેખ (રહે.હરિજનવાસ, વાલમ ખડકી, મહેલાઉ, તા.જી. આણંદ, હાલ દક્ષિણ આફ્રિકા)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here